જેમ વ્યક્તિનું શરીર પ્રાણ વગર અધૂરું છે, તેમ જ ખાધેલો ખોરાક જો યોગ્ય રીતે ચાવ્યો ના હોય તો એ નકામો છે. મોટા ભાગના લોકો એમ માને છે કે, પાચન પેટમાં થાય છે. આ વાત સાચી નથી. પાચન ખરેખર તો મોંમાંથી જ શરૂ થાય છે. મોઢાની અંદર લાળના એન્ઝાઇમ્સ ખોરાકને પચાવવા માટે બહુ જ જરૂરી છે.
તેમાંનું એક એન્ઝાઇમ જે ખોરાકને પચાવવા માટે મદદ કરે છે, તેનું નામ આલ્ફા એનાયલસ છે. આ એન્ઝાઇમ સ્ટાર્ચને બોડી સેલમાં પહોંચાડી શરીરને સ્ફૂર્તિ અથવા એનર્જી આપવાનું કામ કરે છે. જયારે ખોરાક પૂરતો ચવાતો નથી ત્યારે આ આલ્ફા એનાયલસ ખોરાકને સ્ટાર્ચમાં રૂપાંતર કરવાનો ચાન્સ મળતો નથી અને શરીરના સેલ્સ તેના વગર રહી જાય છે. બીજું મહત્વનું એન્ઝાઇમ લિંગ્યુલા છે. જે જીભની નીચેથી ઝરે છે અને તે ખોરાકની ફેટને પચાવવાનું કામ કરે છે.
તમે ખોરાક બરાબર ચાવશો નહીં તો તમારું પાચનતંત્ર નબળું પડશે. પાચન બરાબર ન થવાથી તમને ગેસ, અપચો થઇ શકે છે. જયારે ખોરાક ચવાયો ન હોય, ત્યારે તેના મોટા મોટા ટુકડા જઠરમાં પડી રહેવાથી તેમાં બેક્ટેરિયા પેદા થાય છે અને વધુ પડતા બેક્ટેરિયાથી અપચો અને ગેસ થાય છે તેમજ તેના પોષક તત્વો શરીરને પૂરતો ફાયદો કરતા નથી. મોટા ભાગના લોકો ચાવવાની તસ્દી લેતા જ નથી. ખોરાક ગળવા જેવો થાય એટલે ઉતારી દે છે.
એક કોળિયાને 30થી 35 વખત ચાવો
જયારે તમે ખોરાક ખાઓ ત્યારે તેને ગાળતાં પહેલાં બરોબર ચાવવાનો પ્રયત્ન કરજો. એવરેજ વ્યક્તિ એક કોળિયાને 10 વખત ચાવે છે. તે વધારીને 35 વખત ચાવવાનો પ્રયત્ન કરવો જોઇએ જેથી ખોરાકનો સ્વાદ માણ્યાનો અનુભવ થશે.
જમવાની સ્પીડ ધીરી રાખો
જમતાં જમતાં થોડી થોડી વારે ચમચી નીચે મૂકી દેવી. આમ કરવાથી ખાવાનું ધીમું થઇ જશે અને ખોરાકનો વધુ આનંદ લઇ શકાશે.
એકદમ પાણી ન પીશો
ખોરાક સાથે વધુ પડતું પાણી પીવાથી આંતરડામાં રહેલા પાચક તત્વો ડાઇલ્યુટ થઇ જાય છે અને ખોરાક પચતો નથી.આથી જમીને તરત જ પાણી ન પીઓ.