ઈનફ્લુએન્સરનું માર્કેટ થયું 1000 કરોડનું, ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી 5 કરોડ સુધીની કમાણી કરી રહયા છે સેલેબ્સ

nation

અખબારો, ટીવી અને હોર્ડિંગ્સમાં સેલેબ્સની જાહેરાતો જોઈને તરત જ ખબર પડી જાય છે કે તેઓ અમુક પૈસા લઈને જાહેરાતો કરી રહ્યા છે, પરંતુ સોશિયલ મીડિયામાં આવું નથી. સેલેબ્સ આ પ્લેટફોર્મમાં કોઈપણ બ્રાન્ડને પ્રમોટ કરીને તેમની દરેક પોસ્ટથી ઘણું કમાઈ રહ્યા છે, પણ તે પેઇડ કન્ટેન્ટ છે, એવું જણાવવાથી પણ દૂર રહે છે. જો કે, હવે ASCIની ગાઇડલાઇન બાદ, ઘણા સેલેબ્સે તેમની પોસ્ટ્સ પર ‘પેઇડ કોલોબરેશન’ અથવા ‘એડ’ નો ટેગ લગાવવાનું શરૂ કર્યું છે.

ASCIની ગાઇડલાઇન- પેઇડ પોસ્ટ ટેગ ફરજિયાત

એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ASCI) ની 14 જૂન, 2021 થી અમલમાં આવેલી ગાઇડલાઇન મુજબ જેના બદલામાં પૈસા કે વસ્તુની લેવડદેવડ થઇ હોય, આવી પ્રમોશનલ પોસ્ટ સાથે પેઇડ કોલોબરેશન અથવા એડનો ટેગ લગાવવો જરૂરી છે.

ફોલોઅર્સ અને પ્રતિ પોસ્ટ કમાણીમાં વિરાટ ટોપ પર

હોપર્સે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સમાંથી સૌથી વધુ કમાણી કરતી ટોચની 30 વૈશ્વિક હસ્તીઓની યાદી બહાર પાડી છે. જેમાં ભારતના વિરાટ કોહલી વિશ્વમાં 19 મા ક્રમે છે. તેમની દરેક પોસ્ટમાંથી કમાણી 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જયારે પ્રિયંકા ચોપરા આ યાદીમાં 27મા સ્થાને છે અને તેની દરેક પોસ્ટ 3 કરોડની કમાણી કરે છે.

જોકે ડિજિટલ માર્કેટિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કહે છે કે સેલેબ્સ સોશિયલ મીડિયા પ્રમોશનથી ઘણું કમાઈ રહ્યા છે, તે સાચું છે, પરંતુ દરેક પોસ્ટના એટલા પૈસા છે, એવું કોઈ રેટ કાર્ડ નથી. મોટાભાગના કિસ્સાઓમાં, એક સંપૂર્ણ મલ્ટીપલ મીડીયમ પ્રમોશન પેકેજ હોય છે. આ પેકેજમાં સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે સોશિયલ મીડિયા પર કઈ અને કેટલી પોસ્ટ મુકવામાં આવશે.

દેશના સૌથી મોટા ઈનફ્લુએન્સર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક ખાનગી યુનિવર્સિટીને એન્ડોર્સ કરતી પોસ્ટ મૂકી હતી, પરંતુ તેમાં પેઇડ પોસ્ટનું ટેગ નહોતું. વિરાટ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો. ASCI એ નોટિસ મોકલી, જે પછી વિરાટે પોસ્ટ એડિટ કરી અને ‘પેઇડ પોસ્ટ’નો ટેગ લગાવ્યો.

આ પછી બધા મોટા સેલેબ્સ સાવધાન થઈ ગયા છે અને પેઇડ પોસ્ટમાં પેઇડ પાર્ટનરશિપનું ડિસ્ક્લેમર પણ મૂકી રહ્યા છે, પરંતુ એ પણ સાચું છે કે જો નાના ઈનફ્લુએન્સર નિયમનું ઉલ્લંઘન કરે તો કોઈનું ધ્યાન ન જાય, પણ વિરાટ જેવા મોટા સેલેબ્સ ફસાઈ જાય છે. બીજી બાજુ, રિતિક રોશન જેવા સેલેબ્સ પહેલેથી જ પેઇડ પ્રમોશનલ પોસ્ટ્સને ટેગ કરી રહ્યા છે અને તેમના ફોલોઅર્સ સાથે ટ્રાન્સપરન્સી રાખી રહયા છે.

ASCI એ એક ફ્રેન્ચ કંપનીના ટ્રેકિંગ સોફ્ટવેરની મદદ લીધી છે. જેના કારણે મોટાભાગની પોસ્ટ પર નજર રાખવામાં આવી રહી છે. સામાન્ય લોકો આવી કોઈપણ પોસ્ટ વિશે ASCI ને ફરિયાદ પણ કરી શકે છે.

ભારતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ હાલમાં કુલ ડિજિટલ માર્કેટિંગમાં 10% હિસ્સો ધરાવે છે. લોકડાઉનમાં તેને ઘણું પુશ મળ્યું. તેનું કદ વાર્ષિક 1000 કરોડ સુધી વધ્યું છે. ઇન્ફ્લુએન્સર માર્કેટમાં ઈન્સ્ટાગ્રામ 70% હિસ્સો ધરાવે છે. મિલેનિયલ્સ સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે. તે દરેક ખરીદીમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રભાવિત થાય છે.

રેડીફ્યુઝનના મેનેજિંગ ડિરેક્ટર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ હ્યુમન બ્રાન્ડ્સના મુખ્ય માર્ગદર્શક ડો.સંદિપ ગોયલે જણાવ્યું હતું કે ASCI એક ટૂથલેસ બોડી છે. તેની માર્ગદર્શિકા કાયદેસર રીતે બાધ્ય નથી, પરંતુ ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ, જો ગેરમાર્ગે દોરનારી જાહેરાત સાબિત થાય, તો પ્રથમ વખત 10 લાખ રૂપિયા સુધી દંડ અને વારંવાર ઉલ્લંઘન માટે 50 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

ઘણા સેલેબ્સ સીધા પ્રમોશન કરવાને બદલે તેમના બાયોમાં બ્રાન્ડ સંબંધિત લિંક મૂકે છે, પરંતુ આવી સ્થિતિમાં તેમને એ પણ કહેવું પડે છે કે આ એક પેઇડ એક્ટિવિટી છે. કેટલાક સેલેબ્સ લાંબા સમયથી બ્રાન્ડનું સમર્થન કરી રહ્યા છે અને દરેક વ્યક્તિ તેના વિશે જાણે છે. તેમ છતાં, આવી બ્રાન્ડ્સની પોસ્ટ્સ પર, તેમને પેઇડનો ટેગ લગાવવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *