પ્રશ્ન : હું 28 વર્ષની પરિણીતા છું. મારા લગ્નને ચાર વર્ષ જેટલો સમય થઇ ગયો છે. મને હવે મારા પરિવારજનો અને ફ્રેન્ડસર્કલના લોકો સતત સવાલ કરે છે કે બાળક વિશે મારું શું પ્લાનિંગ છે. મને આવા સવાલો સાંભળીને બહુ ગુસ્સો આવે છે. આ પરિસ્થિતિને કઇ રીતે હેન્ડલ કરવી? એક યુવતી (રાજકોટ)
ઉત્તર : મા બનવું એ દુનિયાના સૌથી સુખદ અનુભવોમાંથી એક છે. આ એક એવી ક્ષણ હોય છે જે એક મહિલાને તેની પૂર્ણતાનો અનુભવ કરાવે છે. લગ્નના એક-બે વર્ષ થાય એટલે સાસરાવાળા અને બાકીના સંબંધીઓ પણ વહુ પાસેથી બાળકની અપેક્ષા રાખવા લાગે છે. લોકોના કહેવા પ્રમાણે બેબી પ્લાનિંગ કરવું જરૂરી નથી પણ આ સમયે ધીરજ રાખીને યોગ્ય જવાબ આપવો જોઇએ.
જ્યારે બેબી પ્લાનિંગને લઈને કોઈ સવાલ પૂછે ત્યારે ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. જો કે, આ વાતથી પરેશાન થવાના બદલે જે કોઈ સવાલ કરે તેને સ્પષ્ટ કહી દો કે હાલ તમે મા બનવા માટે તૈયાર નથી. જો તમે ખરેખર લોકોનાં બેબી પ્લાનિંગને લઈને પૂછવામાં આવી રહેલા સવાલથી કંટાળી ગયા હો તો હંમેશાંં જવાબ તૈયાર રાખો. સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે, જવાબ એવો હોય જે તમારી ઈમેજને ખરાબ ન કરે.
પ્રશ્ન:હું 24 વર્ષની પરિણીત યુવતી છું. મેં એક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં છે. મારા પતિ બહુ સારા છે પણ મને ઘણીવાર એમ લાગે છે કે મારા સાસુને હું ખટકું છું. મને ખબર છે કે મારા સાસુ તેમનાં ધનાઢ્ય મિત્રની દીકરી સાથે મારા પતિનાં લગ્ન કરાવવા ઇચ્છતાં હતાં પણ આખરે તેમણે મારા પતિની લાગણીને માન આપવું પડ્યું અને અમારા લગ્ન માટે સંમતિ દેવી પડી. તેમનાં મનમાં હજી પણ આ વાતનો ખટકો છે અને એ તેમના વર્તનમાં દેખાય છે. હું વિચારું છું કે ફરીથી જોબ કરવાનું શરૂ કરી દઉં, પણ એના કારણે સમસ્યામાં વધારો થશે તો? મારે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : લગ્ન પછી નવા પરિવારમાં સેટ થવા માટે કોઇપણ યુવતીને પ્રયાસ કરવો પડે છે. જો સાસરિયાં સારા હોય તો ખાસ સમસ્યા નથી નડતી પણ જો સાસરિયાં તમને સ્વીકારવા માટે માનસિક રીતે તૈયાર ન હોય તો પરિણીતાને વધારે પ્રયાસ કરવો પડે છે.
હવે તમારા સાસુ તેના દીકરાનાં લગ્ન તેમનાં મિત્રની દીકરી સાથે કરાવવા ઇચ્છતાં હતાં પણ તેમની આ ઇચ્છા પૂરી ન થઇ શકી હોવાના કારણે તેઓ તમારા પર અપસેટ હોય એ સ્વાભાવિક છે. હકીકતમાં પ્રેમલગ્નનો નિર્ણય તમારો અને તમારા પતિનો સંયુક્ત નિર્ણય છે એટલે એની જવાબદારી પણ બંનેની જ ગણાય, પણ તમારા સાસુને એમાં માત્ર તમારો જ વાંક દેખાય એ માનવીય નબળાઇ ગણાય.
આ સંજોગોમાં તમારે થોડી ધીરજથી કામ લેવાની જરૂર છે. તમે સાસુ સાથે વાદ-વિવાદમાં ઊતરવાને બદલે થોડી ધીરજ અને સમજદારીથી કામ લેશો તો પરિસ્થિતિમાં ચોક્કસ બદલાવ આવશે. વળી તમને તો તમારા પતિનો પણ સપોર્ટ છે.
તમે ઇચ્છો તો તમારા પતિને પણ આ લાગણી જણાવી શકો છો. જો પરિવારમાં ખાસ વાંધો ન હોય અને પતિનો ટેકો હોય તો જોબ કરવાનો નિર્ણય પણ ખોટો નથી. જોબનાં કારણે તમને રોજ ઘરની બહાર થોડો સમય પસાર કરવાની તક મળશે જેના કારણે તમને અને તમારા સાસુ બંનેને માનસિક મોકળાશ મળશે અને થોડા સમય પછી પરિસ્થિતિને સારી રીતે મૂલવી શકશો.