મારા લગ્ન થઈ ચૂક્યા છે. પહેલું બાળક ત્રણ-ચાર વર્ષ પછી થાય તેવી મારી ઈચ્છા છે. કેટલાક મિત્રોએ સલાહ આપી છે કે પત્નીને ”માલા-ડી” ગોળીઓનો ઉપયોગ ન કરવા દેશો. આ ગોળીને કારણે વંધ્યત્વ ઉત્પન્ન થવાની શક્યતા છે. શું એ સત્ય છે? સમાધાન કરો અથવા કોઈ બીજા સરળ સાધન દર્શાવો.
એક પતિ (વલસાડ)
જો તમને બે-ત્રણ વર્ષ પછી સંતાન જોઈતું હોય તો તમારી પત્ની ગર્ભ નિરોધક ગળવાની ગોળીઓ (એકવાર સ્ત્રી રોગ વિશેષજ્ઞાની પાસેથી તપાસ કરાવ્યા પછી) લઈ શકે છે તથા જ્યારે બાળકની ઈચ્છા હોય તેના બે-ત્રણ મહિના અગાઉ ગોળી લેવાનું બંધ કરી શકે છે. તેનાથી સંતાનહીન થવાનું જોખમ નથી. અથવા પછી ”નિરોધ”નો ઉપયોગ કરી શકાય છે. એ પણ સારું ગર્ભનિરોધક સાધન છે.
હું ૨૦ વરસની છું, છેલ્લા બે વર્ષથી હું મારી મામીના ભાઈને મનોમન પ્રેમ કરતી હતી. પરંતુ મેં એને ક્યારે પણ મારા મનની વાત કહી નથી. મારે હવે આ સંબંધ આગળ વધારવો નથી. બધુ ભૂલીને હું હવે ભણવા પર ધ્યાન આપવા માગુ છું. મારે શું કરવું જોઈએ?
એક યુવતી (મુંબઈ)
તમારો આ વિચાર જ તમારા ધ્યેય પર પહોંચવા માટેનું પ્રથમ પગલું છે એ વાત સારી છે કે તમે તમારા મનની વાત કોઈને કહી નથી. હવે તમે તમારા અભ્યાસ પર ધ્યાન આપો અને તમારી મામીના ભાઈને મળવાની પરિસ્થિતિ ઊભી થાય નહીં એ વાતનું ધ્યાન રાખો. ધીરે ધીરે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે અને તમે એને ભૂલી જશો.