પ્રશ્ન : હું 38 વર્ષની પ્રેગ્નન્ટ મહિલા છું. આ પહેલાં મારા બે મિસકેરેજ થઇ ગયાં છે. હાલમાં મારા ડોક્ટરે મને NIPT ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે હું આ ટેસ્ટ કરાવી લઉં એ જરૂરી છે અને પછી તેઓ રિપોર્ટ જાણીને મને સમજાવશે. જોકે હું ટેસ્ટ કરાવતા પહેલાં જ એના વિશે જાણવા ઇચ્છું છું. આ ટેસ્ટ શું કામ કરાવવો જોઇએ? એક મહિલા (અમદાવાદ)
ઉત્તર : સ્ત્રી ગર્ભવતી હોય છે ત્યારે તેના જીવનમાં અનોખી ખુશી આવી જાય છે. જોકે સ્ત્રીની ગર્ભાવસ્થા દરમિયાન વિશેષ કાળજી લેવાની જરૂર હોય છે. ખાનપાનની સાથે સમયાંતરે ચેકઅપ અને પરીક્ષણો કરાવવા જરૂરી છે. ડોક્ટર નિયમિત રીતે આ ટેસ્ટ કરાવતા રહે છે. કેટલાક ખાસ કિસ્સાઓમાં ડોક્ટર NIPT પરીક્ષણ કરાવવાની સલાહ આપે છે. આ ટેસ્ટ નોન ઇનવેસિવ પ્રીનેટલ ટેસ્ટ છે.
જ્યારે કોઈ સ્ત્રી માતા બનવાની તૈયારીમાં હોય છે, ત્યારે બાળકમાં આનુવંશિક રોગનું કોઈ જોખમ છે કે નહીં તે નક્કી કરવા માટે ગર્ભધારણના થોડા અઠવાડિયામાં NIPT પરીક્ષણ કરવામાં આવે છે. આ પરીક્ષણ માતાના લોહીથી કરવામાં આવે છે કારણ કે એ સમયે માતાના લોહીમાં બાળકના ડીએનએની હાજરી જોવા મળે છે.
સામાન્ય રીતે જે સગર્ભા મહિલાની વય 35 કરતા વધારે હોય, જે લોકોમાં આરએચ નેગેટિવ બ્લડ ગ્રુપ હોય કે પછી પત્ની અથવા પતિને કોઈને આનુવંશિક રોગોની કોઈ હિસ્ટ્રી હોય તેને NIPT પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવે છે. આ પરીક્ષણ દ્વારા ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ અથવા તો એડવર્ડ સિન્ડ્રોમ જેવા રોગની આગોતરી માહિતી મેળવી શકાય છે.
પ્રશ્ન : મારી વય 24 વર્ષની છે. હું છેલ્લા કેટલાય વર્ષોથી હસ્તમૈથુન કરું છું. મારી ઇન્દ્રિય સામાન્ય અવસ્થામાં સાવ નાની દેખાય છે. શુક્રપિંડ પણ ઉપર નીચે છે. તો શું હું નપુંસક છું? અને જ્યારે મને ઉત્તેજના થાય છે ત્યારે ઇન્દ્રિયના નીચેના ભાગમાંથી પેશાબ થાય છે. ત્યાં સફેદ નાની નાની ફોલ્લી જેવું કંઇ થઇ ગયું છે. મને કોઇ જાતીય રોગ હશે. મારે લગ્ન કરવા જોઇએ કે નહીં? એક પુરુષ (વડોદરા)
ઉત્તર : તમે ખોટી ચિંતા કરી રહ્યા છો. જીવનમાં મોટાભાગના પુરુષોએ અને ઘણી સ્ત્રીઓએ હસ્તમૈથુન કરેલ હોય છે. એનાથી કોઇ નુકસાન થતું નથી. નપુંસકતા એટલે ઇન્દ્રિયમાં ઉત્થાનનો અભાવ, પણ તમને એવી કોઇ સમસ્યા નથી એટલે તમે નપુંસક નથી અને ચોક્કસ લગ્ન કરી શકો છો.
આપની બીજી તકલીફ પેશાબની છે. ઘણીવાર પેશાબ ઇન્દ્રિયમાં બીજી તરફથી થતો હોય છે. એની તપાસ કરવી પડે. અને જો જરૂર લાગે તો ઓપરેશનથી આ મુશ્કેલી સુધારી શકાય. માટે મનમાં અકળાયા વગર યોગ્ય ડોક્ટર પાસે તપાસ કરાવો. તમને થયેલી સફેદ ફોલ્લી કદાચ લોકલ ચેપને કારણે હોઇ શકે છે. આ સમસ્યા દવાથી દુર થઇ શકે છે. તમને યોગ્ય તબીબી સલાહની જરૂર છે.