હું હાલ પ્રેગ્નન્ટ છું પણ મને વારંવાર મારુ મૂડ અપસેટ થયા કરે છે, તો હું શું કરું

GUJARAT

પ્રશ્ન : મારા લગ્ન એક વર્ષ પહેલાં માત્ર 21 વર્ષની વયે થઇ ગયા હતા. મારા અને મારા પતિ વચ્ચે આઠ વર્ષનો તફાવત છે. મારા પતિ મને વધારે પડતા મેચ્યોર અને પ્રેકટિકલ લાગે છે. મને લાગે છે કે હું તેમને એક વર્ષ પછી પણ સમજી નથી શકી. હું જાહેરમાં તેમનો હાથ પકડું એ પણ તેમને પસંદ નથી. તેમને બહાર જવાનું નથી ગમતું પણ તેઓ મને ક્યારેય બહાર જવાથી નથી રોકતા. તેમના આ પ્રકારના વર્તનને કારણે હું લગ્નજીવનનાં એક વર્ષમાં જ કંટાળી ગઈ છું. શું કરું? એક યુવતી (વડોદરા)

ઉત્તર : તમારા જેવી પરિસ્થિતિમાંથી અનેક દંપતિ પસાર થતા હોય છે. પતિ અને પત્ની વચ્ચે જ્યારે વયનો તફાવત થોડો વધારે હોય ત્યારે બંનેની વિચારસરણી અલગ હોય એ સ્વાભાવિક છે. તમે આખી પરિસ્થિતિને તમારા દૃષ્ટિકોણથી જ જુઓ છો, પણ ક્યારેક તમારી પતિની નજરે પરિસ્થિતિને મૂલવવાનો પ્રયાસ કરો. તમને જે રીતે પતિનું વર્તન અકળાવે છે એવી જ રીતે તમારાં પતિને પણ તમારા વર્તન અને વિચાર અલગ લાગતા હશે. તમને જે રીતે તમારાં પતિ વધારે પડતા મેચ્યોર અને પ્રેકટિકલ લાગે છે એવી જ રીતે કદાચ તમારાં પતિને પણ તમારું વર્તન બાલિશ લાગતું હશે.

આ સમસ્યાનો ઉકેલ મનમાં વિચારો કરવાથી નહીં આવે પણ તમારે એકબીજા સાથે વાત કરીને એકબીજાની લાગણી જાણવાનો પ્રયાસ કરવો પડશે. તમારા લગ્નને હજી તો એક જ વર્ષ થયું છે. હજી તો તમારે એકબીજા સાથે લાંબી મજલ કાપવાની છે. તમારો સવાલ વાંચીને લાગે છે કે તમારા અરેન્જ્ડ મેરેજ હશે એટલે કદાચ લગ્ન પહેલાં પણ તમને એકબીજાને સમજવાનો સમય નથી મળ્યો. તમારે હજી તમારા સંબંધને થોડો સમય આપવાની જરૂર છે. સમયની સાથે સાથે લાગણીઓમાં પરિવર્તન આવશે અને તમે જ્યારે એકબીજાની લાગણીઓને સારી રીતે સમજવા લાગશો અને લગ્નજીવનમાં કંટાળાનું સ્થાન આનંદ અને ઉલ્લાસની લાગણી લઇ લેશે.

પ્રશ્ન : હું બે મહિનાથી પ્રેગ્નન્ટ છું અને મૂડ સ્વિંગની સમસ્યા થઈ રહી છે. આનો કોઇ ઉપાય ખરો? એક મહિલા (સુરત)

ઉત્તર : આનો કોઈ ખાસ ઉપાય નથી. ઘણી મહિલાઓને પ્રેગ્નન્સીમાં સ્વભાવ ચીડિયો થઇ જવો, વોમિટિંગ અને થાક જેવી પરેશાની થવા લાગે છે. આ સમય દરમિયાન વજન વધવાની સાથે મહિલાઓમાં હોર્મોનલ ચેન્જ પણ આવી જાય છે. મૂડ સ્વિંગ એટલે કે વારંવાર મૂડ બદલાવાની સમસ્યા હોય તો એક્સરસાઈઝ, યોગ, પ્રાણાયામ અને રેગ્યુલર વોક કરીને મહિલાઓ ફિટ અને ખુશ રહી શકે છે.

આ કસરતો કરવાથી સાથે જ પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસનો ખતરો પણ ઓછો થઈ જાય છે અને લેબર પેઇન વખતે પણ રાહત રહે છે. ગર્ભાવસ્થામાં સૌથી મોટી ફરિયાદ જો રહેતી હોય તો એ છે મૂડ સ્વિંગ થવાની. આમ તો આ સામાન્ય બાબત છે અને મોટાભાગની મહિલાઓ આ તબક્કામાંથી પસાર થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન અનેક શારીરિક અને માનસિક ફેરફારો થાય છે જેનું કારણ હોર્મોન્સના સ્તરમાં થતો વધારો છે. મૂડ સ્વિંગ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 6થી 10 અઠવાડિયા દરમિયાન મહત્તમ અનુભવાતા હોય છે. મૂડ સ્વિંગમાં સામાન્ય રીતે ગુસ્સો આવવો, ચિંતા રહેવી, અચાનક રડવા લાગવું તેમજ સ્વભાવ ચીડિયો થઇ જવો જેવા ભાવોનો અનુભવ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *