મારી ઉંમર ૩૫ વર્ષની છે. છેલ્લા એકાદ-બે વર્ષથી મને કાનમાં ખૂબ જ ખંજવાળ આવે છે. મેં ઇએનટી નિષ્ણાતને પણ મારો કાન દેખાડયો હતો. તેણે મારા કાનમાં કોઇ પણ પ્રકારની ખામી ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ મારી આ તકલીફ દૂર થઇ નથી. હું મારા કાન સ્વચ્છ રાખું છું. કાનમાં મેલ પણ જમા થતો નથી. આનું કારણ શું હોઇ શકે છે?
એક સ્ત્રી (જામનગર)
તમે કાનમાં આવતી ખંજવાળને કારણે પીન કે ઇઅર બડ વાપરો છો? આ આદત ખૂબ જ ખોટી છે. પરંતુ આજકાલ આ ફૅશન જ બની ગઇ છે.
કાનમાં જ કુદરતે એવી કરામત મૂકી છે કે આપોઆપ જ કાનનો મેલ દૂર થઇ જાય છે. આથી કાન કોતરવાની કોઇ પણ જરૂર નથી. ખોડાને કારણે પણ કાનમાં ખંજવાળ આવી શકે છે. કાનમાં આવતી ખંજવાળ દૂર કરવા ક્યારેક ક્યારેક સ્ટેરોઇડ ઓઇન્ટમેન્ટ વાપરી શકાય છે. પરંતુ આ માટે ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.
હું ૩૨ વરસની અપરિણીત મહિલા છું. મને એક પુરુષ સાથે પ્રેમ છે. અમારા આ પ્રેમની વાત અમારા સગા-સંબંધી તેમજ મિત્રો જાણે છે. પરંતુ હું તેને મારા મમ્મી-પપ્પાને મળવાનું કરું છું તો એ ટાળે છે. તેનો ઇરાદો શું છે એ હું સમજી શકતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક મહિલા (વલસાડ)
એ પુરુષનો ઇરાદો તમારી સાથે લગ્ન કરવાનો નથી. તે તમારી લાગણીઓ સાથે ચેડાં કરી રહ્યો છે. તેને માટે તમે માત્ર ટાઈમ-પાસનું જ સાધન હો એમ લાગે છે આથી એ પુરુષને છોડી દેવામાં જ તમારી ભલાઈ છે. અને પડતો મૂકી બીજો કોઈ યોગ્ય જીવનસાથી શોધી પરણી જાવ. તેની પાછળ સમય વેડફવાનો કોઈ અર્થ નથી.