હું ૧૬ વરસથી છું. મારાથી ત્રણ વરસ મોટા એક છોકરામાં મને રસ છે. અમે મિત્રો નથી. પરંતુ એક વાર તેણે મારી સાથે વાત કરી હતી. એ પછી એણે મારી વર્ષગાંઠને દિવસે મને શુભેચ્છા આપી હતી. કોઇ વાર તે મારી સામે હસે છે તો કોઇ વાર તે મારી અવગણના પણ કરે છે. મારા પ્રત્યેની તેની લાગણી બાબતે હું સ્પષ્ટ નથી. મારે શું કરવું તે સમજાવવા વિનંતી.
એક યુવતી (મહેસાણા)
હકીકતમાં તો એ છોકરાના વર્તન પરથી તમને તેની લાગણીઓ બાબતે થોડો ઘણો અણસાર આવી જવો જોઇતો હતો. તમારે તેની સાથે વધુ વાત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તમારો વધુ પરિચય થશે. તો તમને એની લાગણીઓની જાણ થશે. તમારા કોઇ કોમન મિત્ર દ્વારા તેનો પરિચય કેળવો. તેને તમારામાં રસ હોય નહીં તો નિરાશ થવાની જરૂર નથી. તમારી પાસે આખી જિંદગી પડી છે અને દુનિયામાં આ એક જ પુરુષ નથી.
હું ૨૬ વરસની છું. અમારો પરિવાર મોર્ડન છે. મારી મોટી બહેનનો પરિવાર પણ મોર્ડન છે. મારા જીજાજી સાથે હું ઘણી નિખાલસતાથી વાત કરું છું. હમણા જ મારા લગ્ન થયા છે. મારા પતિ જરા જૂનવાણી છે. હું મારા જીજાજી સાથે મુક્ત રીતે વાત કરું એ એમને ગમતું નથી. કેટલાક દિવસો પૂર્વે અમે જમતા હતા ત્યારે મારા જીજાજીએ મારા પગ સાથે તેમના પગ ટકરાવી મારા પતિની સંભાળ લેવાનું કહી એક ‘એડલ્ટ’ જૉક કહ્યો હતો. મારા પતિને આ ગમ્યું નહોતું તેમણે મને મારા જીજાજીથી અંતર જાળવવાની સલાહ આપી હતી. મને મારા જીજાજીની લાગણીઓ ધવાશે એનો ડર લાગે છે. મારે શું કરવું જોઇએ એ જણાવવા વિનંતી.
એક યુવતી (મુંબઇ)
લગ્ન પછી તમારે થોડી મર્યાદા જાળવવાની જરૂર છે. સાળી-જીજાજી વચ્ચેનો મજાક-મશ્કરીનો સંબંધ આપણા સમાજમાં માન્ય છે. પરંતુ આ સંબંધ મર્યાદામાં રહે એ જ યોગ્ય છે. તમે કુંવારા હતા ત્યાં સુધી કોઇ વાંધો નહોતો પરંતુ હવે તમારે તમારા સાસરિયાનો ખાસ કરીને તમારા પતિનો પણ વિચાર કરવાનો છે. તમારા જીજાજી સાથેનું તમારું વર્તન હવે અલગ રીતે જોવાશે.
અને તમને તમારા જીજાજીની લાગણીની પરવા છે પરંતુ તમારા પતિની લાગણીનો તમને જરા પણ વિચાર આવતો નથી. તમારા જીજાજી તમારી સાથે જે વર્તન કરે છે એમાં આધુનિક્તાનું પ્રતિબિંબ પડતુ નથી અને તમારા પતિનો વિરોધ એમને જૂનવાણીમાં ખપાવતો નથી. હવે તમારે તમારા જીજાજી સાથે અમુક અંતર રાખીને વર્તવાની જરૂર છે.