હવે બાળકો માટે પણ આવી ગઈ કોરોનાની રસી, અમેરિકાએ ફાઈઝરની વેક્સિનને આપી મંજૂરી

GUJARAT

અમેરિકાનાં ફૂડ એન્ડ ડ્રગ એ.મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ૧૨થી ૧૫ વર્ષની વય જૂથનાં બાળકો માટે ફાઈઝર- બાયોએન્ટેકની કોરોનાની વેક્સિનનો ઈમરજન્સી ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવી છે. આને કારણે અમેરિકામાં ૧૨થી ૧૫ વર્ષનાં બાળકોને વેક્સિન આપીને તેમનું સુરક્ષા કવચ વધારવામાં આવ્યું છે. મોડેર્ના દ્વારા પણ આ વય જૂથનાં લોકો પર વેક્સિનની ટ્રાયલ શરૂ કરાઈ છે. યુએસ સરકારે આ માટે અગાઉ જાહેર કરેલ EUA આદેશમાં સુધારા કરાયા છે. હાલ અમેરિકામાં ૧૬ કે તેથી વધુ ઉંમરનાં લોકોને mRNAની વેક્સિનના બે ડોઝ આપવામાં આવી રહ્યા છે. ફાઈઝર અને મોડેર્ના બંને કંપનીઓ ૧૨થી ૧૫ વર્ષનાં લોકોને વેક્સિન આપવા છેલ્લા ૬ મહિનાથી પ્રયોગો કરી રહી છે. ભારતમાં બીજી લહેરમાં સંક્રમણ વધ્યા પછી ત્રીજી લહેરમાં બાળકોને વધુ સંક્રમણ થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે અમેરિકામાં બાળકો માટે લેવામાં આવેલું પગલું આવકાર્ય અને મહત્ત્વનું છે. ફાઈઝરે દાવો કર્યો છે કે તેની આ વેક્સિન બાળકો પર ૧૦૦ ટકા અસરકારક છે.

અમેરિકામાં ૧.૫ મિલિયન બાળકો સંક્રમિત, ફાઇઝર દ્વારા ૨૨૬૦ બાળકો પર ટ્રાયલ

અમેરિકામાં ૧ માર્ચ ૨૦૨૦થી ૩૦ એપ્રિલ ૨૦૨૧ સુધીમાં ૧૧થી ૧૭ વર્ષનાં ૧.૫ મિલિયન લોકોને કોરોનાનું સંક્રમણ થયું હતું. જો કે પુખ્ત વયના લોકોની સરખામણીમાં બાળકોને કોરોનાનું સંક્રમણ ઓછું થતું હોય છે. બાળકોને કોરોનાથી બચાવવા ફાઈઝર દ્વારા ૧૨થી ૧૫ વર્ષનાં ૨૨૬૦ વોલ્યુનટર્સને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં વેક્સિન આપવામાં આવ્યા પછી બાળકોમાં કોરોનાનું ઈન્ફેક્શન જણાયું ન હતું. યુએસમાં વૃદ્ધો અને યુવાનોને વેક્સિન આપવામાં આવ્યા પછી બાળકો માટે વેક્સિનની તડામાર તૈયારીઓ કરાઇ હતી.

એસ્ટ્રાઝેનેકાનો એક ડોઝ લેવાથી જ મૃત્યુનું જોખમ ૮૦ ટકા ઘટે છે

ઈંગ્લેન્ડના પબ્લિક હેલ્થ વિભાગે દાવો કર્યો છે કે એસ્ટ્રાઝેનેકાની વેક્સિનનો એક ડોઝ લેવાથી કોરોના સંક્રમિત વ્યક્તિ પર મૃત્યુનું ૮૦ ટકા જોખમ ઘટે છે. હેલ્થ વિભાગે કહ્યું હતું કે ફાઈઝર અને બાયોએન્ટેકની વેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી મૃત્યુનું જોખમ ૮૦ ટકા અને બીજો ડોઝ લીધા પછી ૯૭ ટકા ઘટે છે. તમામ ડેટાનો અભ્યાસ કર્યા પછી આ તારણ કાઢવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.