હવામાન વિભાગની આગાહી, જામનગરના જોડિયામાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ, કયા કેટલો મેઘો વરસ્યો?

GUJARAT

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 135 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામનગરના જોડિયામાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ગણદેવીમાં બે કલાકમાં અઢી ઈંચ, ચીખલીમાં દોઢ ઈંચ, નવસારીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં બુધવારે વરસાદ પડયો હતો. ત્યારબાદ હવે આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે છુટોછવાયો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરુવારે દક્ષિણ ગુજરાતના નવસારી,વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડશે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી,અમદાવાદ, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડશે.

જામનગરમાં વરસાદે ફરી તોબા પોકારી, જોડિયામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો |

ગુજરાતમાં આજે વહેલી સવારે 6થી 8 કલાકમાં એટલે માત્ર બે કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારના બે કલાક દરમિયાન જ જામનગરના જોડિયામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. નવસારીના ગણદેવીમાં પણ સવારે બે કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં બે કલાકમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. સવારે બે કલાકમાં નવસારી તાલુકામાં પણ 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જોડિયા પંથકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસતા જોડિયાના લીંબુડા, બાદનપર, કેસીયા, ભાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા.

સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદને કારણે સરેરાશ 78.75 ટકા વરસાદ નોંધાયો છે. ચાલુ સિઝનમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 89.80 ટકા વરસાદ તથા દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 78.05 ટકા વરસાદ વરસ્યો છે.

જામનગરના જોડીયામાં ધોધમાર વરસાદ

જોડીયામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જોડીયાના ઊંડ-2 ડેમના 3 દરવાજા ખોલાયા છે. નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે. જોડીયાના ઉંડ 2ના 3 દરવાજા 7 ફુટ ખોલ્યા છે. નિચાણવાળા વિસ્તારના ગામડાઓને સાચચેત રહેવા તંત્રએ અપીલ કરી છે.

ગુજરાતમાં અત્યારસુધી 78.75% વરસાદ, જોડિયામાં સવારે ચાર કલાકમાં સાંબેલાધાર 5.88 ઇંચ ખાબક્યો

દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી..

દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. દ્વારકામાં વાતાવરણમાં આવેલ પલટા બાદ મેઘરાજાએ વિસ્ફોટક ઇનિંગ શરૂ કરી છે. વરસાદે દ્વારકા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. દ્વારકા મીઠાપુર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. વરસાદી માહોલ સાથે મેઘરાજાનું આગમન થતા વેપારીઓ તેમજ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બહુચરાજીમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ

મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દરેક તાલુકામાં મેઘરાજાનું મનમૂકીને આગમન થયું છે. બહુચરજીમાં ગત રાત્રીએ 4 ઇંચ તેમજ આગળની રાત્રીએ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. શંખલપુર રોડ પર રેલવેના નવીન પાટા બદલવાની કામગીરીમાં પાણીમાં અવરોધ ઉભો કરતા વાહનચાલકો પરેશન થઈ ઉઠ્યા છે.

મહેસાણા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં ગત રાત્રી દરમ્યાન મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી. જેમાં બેચરાજીમાં 4 ઇંચ, મહેસાણામાં પોણા ત્રણ ઇંચ, ઉંઝા 2mm, કડી 14mm, ખેરાલુ 10mm, જોટાણા 11mm, વિજાપુર 2mm, સતલાસણા 3mm વરસાદ નોંધાયો. બહુચરજીમાં 2 રાત્રી દરમિયાન 6 ઇંચ વરસાદ વરસતા રોડ રસ્તા તેમજ નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. શંખલપુર રોડ રેલવેના ચાલી રહેલ કામથી વરસાદી નાળા પૂરતા મહેશ્વરી સોસાયટી તેમજ શંખલપુર રોડ પર પાણી ભરાયા. રોડ પરથી પસાર થતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં પણ મુકાયા. તો બીજી તરફ વરસાદ થી હવે ખેડૂતોના પાકને પણ નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

કપરાડામાં 8.56 અને ધરમપુરમાં 5.24 ઇંચ વરસાદથી મુશ્કેલી વધી

વલસાડ જિલ્લામાં ખાસ કરીને કપરાડા અને ધરમપુર તાલુકામાં તેમજ બંને તાલુકાઓમાં ઉપરવાસના જંગલ વિસ્તારમાં મંગળવારે સાંજથી ભારે વરસાદ પડી રહ્યો છે. કપરાડા તાલુકામાં 30થી 35 ગામોમાં જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે. નદી-નાળા બે કાંઠે વહેતા હોવાથી મોટાભાગના કોઝવે બંધ થઇ જતા, આશરે 20થી 22,૦૦૦ લોકો સંપર્ક વિહોણા બની ગયાં છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વલસાડના કૈલાસરોડ પરની ઔરંગા નદીના પાણી પુલની લગોલગ પહોંચી ગયા હતા. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કપરાડામાં 8.56 ઇંચ, ધરમપુરમાં 5.24 ઇંચ, પારડીમાં 3.08 ઇંચ, ઉંમરગામ 2.2 ઇંચ, વાપી 1.8 ઇંચ અને વલસાડમાં 1.0 ઇંચ વરસાદ ખાબક્યો છે.

વાલવેરી અને ગિરનારા મુખ્ય માર્ગ ઉપર આવેલી નિલુંગી નદીના મોટા કોઝવે પર પાણી ફરી વળતા, હોમગાર્ડ જવાનોને નદી પાસે તૈનાત કરાયા છે. જૂદા જૂદા ગામોમાં આવેલા કોઝવે, નદી-નાળા તેમજ કોલક નદી, પાર નદી ઉપરના કોઝવે ઉપરાંત દમણગંગા નદી પરનો સૌથી મોટો કોઝવે વરસાદી પાણીમાં ગરકાવ થઇ જતા, 30થી 35 જેટલા ગામોના શિક્ષકો, વિદ્યાર્થીઓ શાળાએ જઇ શક્યા ન હતા. ધરમપુર તાલુકામાં પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જૂદા જૂદા 13 માર્ગો બંધ કરાવી દેવાયા છે.

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં બુધવારે વહેલી પરોઢે 03 થી 10 વાગ્યા દરમ્યાન 07 કલાકમાં પોશીના પંથકમાં લગભગ 04 ઈંચ વરસાદ ખાબકતા પોશીના પાસેથી પસાર થતી પનારી નદીમાં ચાલુ ચોમાસામાં પ્રથમ વખત પાણી આવ્યુ હતુ. તાલુકાના અન્ય સ્થળે મોડી રાત્રે અને વહેલી પરોઢે પડેલા વરસાદને લઈને ડુંગરાળ વિસ્તારમાં પાણીના ઝરણાં જીવંત બની ગયા છે.

ઈડરના જાદર પંથકમાં દોઢ કલાકમાં ૩ ઈંચ વરસાદ

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિજયનગર તાલુકામાં પડયો છે. દરમ્યાન મંગળવારે રાત્રે ઈડર તાલુકાના જાદર પંથકમાં અચાનક વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ દોઢ કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબકતા સીમાડામાં આવેલા ખેતરો પાણીથી તરબતર થઈ ગયા હતા. અને જાદર પાસેની ડેભોલ નદીમાં નવા નીર આવતા આ વિસ્તારના ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

મોડાસા પંથકમાં બે ઈંચ વરસાદ, ઠેરઠેર પાણી ભરાયાં, ગરમીથી રાહત મળી

મોડાસા: અરવલ્લીમાં છુટો છવાયો વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ મોડાસા પંથકમાં થયો હતો. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ધનસુરા, બાયડ અને ભિલોડા પંથકમાં પણ અડધો-અડધો ઈંચ વરસાદ થયો હતો.

બનાસ નદીમાં પ્રવાહ વધતા ફસાયેલા વૃદ્ધ દંપતીને ચાર કલાક બાદ બહાર કઢાયું

પાલનપુર: રાજસ્થાનમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે આબુરોડ નજીકથી પસાર થતી બનાસ નદીના કિનારે ઝંુપડુ બાંધીને રહેતુ વૃધ્ધ દંપત્તિ પાણીના પ્રવાહમાં ફસાઈ જતાં તેઓ એક ટેકરી પર ચડી ગયા હતાં.જે અંગે સ્થાનિક લોકોને જાણ થતાં નાવડીને દોરડા સાથે બાંધી અને તેમને નાવડામાં બહાર કાઢયા હતા.

ભિલોડાના જનાલી ટાંડા ગામે વીજળી પડતાં બે પશુનાં મોત

સુનોખ: અરવલ્લીના ભિલોડા તાલુકાના જનાલીટાંડા ગામે રાત્રિના સમયે વિજળી પડતાં ઢાળિયામાં બાંધેલા બળદ અને ભેંસ સહીત બે પશુનાં મોત થયાનું જાણવા મળેલ છે. ઢાળિયાને પણ થોડુ-ઘણું નુકસાન થયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *