હૃદયની તમામ નળીઓ બ્લોકેજ હોવા છતાં હિંમતભેર કોરોના વાઈરસને હંફાવનાર 85 વર્ષીય દાદીને સલામ

GUJARAT

મુસીબત સે તું જ્યાદા ડર યા ખૌફ ના રખ, તું જીતેગા જરૂર બસ આજ હોંસલા રખ, આ કહેવત હૃદયની તમામ નળીઓ બ્લોકેજ હોવા છતાં હિંમતભેર કોરોના વાઈરસને હંફાવનાર 85 વર્ષના સુભાનપુરાના વૃદ્વા માટે બંધ બેસે છે.

સુભાનપુરા રામેશ્વર મંદિર સામેની શ્રીકાંત પાર્ક સોસાયટીમાં રહેતાં 85 વર્ષીય સુશીલાબેન પ્રભુદાસ ઠક્કરને દોઢ વર્ષ પહેલા એકાએક હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેથી તેમને તાત્કાલિક ભાઈલાલ અમીન હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ડૉક્ટર હાર્ટ સર્જરી કરવી પડશે, તેમ કહી સુશીલાબેનને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ડૉક્ટરે સર્જરી પણ શરૂ કરી દીધી, તે વખતે જ સુશીલાબેનનો શ્વાસ અટકી જતાં તબીબે સર્જરી અટકાવી દીધી. ડૉક્ટરે કહ્યું કે, દર્દીની ઉંમર વધારે છે અને તેમની તમામ નસ બ્લોક છે એટલે ઓપરેશન સક્સેશ નહીં થાય. તેઓ જેટલો સમય ઘરે કાઢે તેવી રીતે રાખો ઓપરેશન કરવાનો કોઈ મતલબ નથી.

સુશીલાબેન ઓપરેશન કરાવ્યા વગર જ ઘરે પરત ફર્યા, પરંતુ તેઓ ડૉક્ટરના આ જવાબથી જરાપણ ગભરાયા નહીં. પોતાની જિંદગીના બાકી દિવસો તેઓ શાંતિમય રીતે પસાર કરી રહ્યાં હતા, ત્યાં જ સુશીલાબેન પર તાજેતરમાં વધુ એક આફત આવી પડી. તેઓ અચાનક કોરોના સંક્રમીત થતાં તાત્કાલીક ગોત્રી કોવિડ હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં સુધીમાં સુશીલાબેનનું ઓક્સિજન લેવલ ઘટી સીધું 82 થઈ ગયું. ઘરના બધા સભ્યો ટેન્શનમાં આવી ગયા હતા કે, હવે શું થશે? પરંતુ સુશીલાબેનનો જુસ્સો અને વીલ પાવર હિમાલયની જેમ અડગ હતો.

તેઓ પોતાને કોરોના થયો છે, તેનો જરા પણ ખૌફ કે ડર રાખ્યા વગર દાખલ થઈ ગયા. સુશીલાબેનની આસપાસ પણ અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતા, પરંતુ તેમણે પોતાના પર વધુ કોન્સન્ટ્રેશન રાખવાની સાથે અન્ય દર્દીઓને પણ હિંમત આપવાનો પ્રયાસ કર્યોં. સુશીલાબેનને ઓક્સિજન પર રાખી ડૉક્ટરોએ સારવાર શરૂ કરી. બે દિવસ ગોત્રી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેમને અટલાદરા યજ્ઞપુરૂષ ખાતે ખસેડયા, ત્યાં પણ સુશીલાબેનને ઓક્સિજન પર જ રાખ્યા. જ્યાં ડૉક્ટરો દ્વારા આપવામાં આવતી દવાનું ટાઈમસર સેવન કર્યું. હોસ્પિટલમાં જમવાનું મળતું હતું, તે પ્રસાદી સમજી આરોગતા. દવાની સાથે તેમની પોઝિટિવ એનર્જી પણ કામ કરી ગઈ અને 14 દિવસમાં જ સુશીલાબેન કોરોના વાઈરસને હંફાવી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા. કહેવાય છે કે, મનોબળ મજબુત અને મક્કમ હોય તો હિમાલય પણ શર કરી શકાય છે, અને તે સુશીલાબેને પુરવાર કર્યું છે.

સુશીલાબેનને રજા આપતાં નર્સિગ સ્ટાફ પણ ભાવવિભોર

સુશીલાબેનને યજ્ઞપુરૂષ ખાતે ખસેડાયા બાદ ડૉક્ટર અને નર્સિગ સ્ટાફે પણ તેમનો જુસ્સો વધાર્યો હતો. નર્સ તેમને સાડી પહેરાવી આપતી હતી. જેને લઈ સુશીલાબેન અને સ્ટાફ વચ્ચે પારાવારિક વાતાવરણ ઉભું થયું હતું. 14 દિવસ બાદ સ્વસ્થ થયા પછી સુશીલાબેને તેમની સારવારમાં રોકાયેલા નર્સિગ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માની ઘરે જમવાનું નિમંત્રણ આપ્યું. તેમની આ વાત સાંભળી નર્સિગ સ્ટાફ પણ ભાવવિભોર થયો અને ગાડી સુધી સુશીલાબેનને મુકી આવ્યા. ઘણીવાર હોસ્પિટલનો માહોલ અને નર્સિગ સ્ટાફનું દર્દી સાથેનું વર્તન પણ બિમાર દર્દીના જીવનમાં પ્રાણવાયુ પુરો પાડવાનું કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published.