ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે!, 1 સપ્ટે.થી જાણો ક્યાં કેવો વરસાદ પડી શકે છે?, જાણો હવામાન વિભાગની આગાહી

GUJARAT

જન્માષ્ટમીના પાવન પ્રસંગથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થયો છે. રાજ્યમાં વરસાદ પડતા જગતના તાતે હાશકારો અનુભવ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સોમવારે જન્માષ્ટમીએ અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 57 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે, સાબરકાંઠાના તલોદમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

1 સપ્ટેમ્બરથી મેઘરાજા દક્ષિણ ગુજરાતને ઘમરોળશે

દક્ષિણ ગુજરાતમાં આગામી પહેલી સપ્ટેમ્બરથી ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આમ તો 31મીએ સવારથી જ સુરત, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. પરંતુ સપ્ટેમ્બરના શરૂઆતમાં જ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ઘમરોળશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. બીજી તરફ વરસાદે વિરામ લેતાં મહતમ તાપમાનનો પારો 33 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે.

છેલ્લા ઘણાં દિવસથી મેઘરાજા હાથતાળી આપી રહ્યા છે. આકાશમાં કાળાદિબાંગ વાદળો છવાઇ છે પરંતુ વરસાદ પડતો નથી. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. જુલાઇ અને ઓગસ્ટ મહિનો પૂરો થયો છતાં સારો વરસાદ નહીં પડતાં લોકો આતૂરતાથી વરસાદની રાહ જોઇ રહ્યા છે. દરમિયાન હવે લોકોની આતૂરતાનો અંત આવશે તેવું હવામાન વિભાગની આગાહી પરથી લાગી રહ્યું છે. 31મી ઓગસ્ટથી ચોમાસું ફરીથી સક્રિય થવા જઇ રહ્યું છે. 31મીએ ભારે વરસાદ જ્યારે પહેલી-બીજી સપ્ટેમ્બરના રોજ સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે. જ્યારે આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ 3 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરેરાશ 41.8 વરસાદ વરસ્યો છે. ઝોન પ્રમાણે આંકડા જોઇએ તો દક્ષિણ ગુજરાત 51.5%, મધ્ય ગુજરાત 38%, સૌરાષ્ટ્ર3 7.1%, ઉત્તર ગુજરાત 32% અને કચ્છમાં 31.7% વરસાદ નોંધાયો છે. ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે, નહીં તો રાજ્યમાં દુષ્કાળના ડાકલા જેવી સ્થિતિ સર્જાવવાની ભિતી છે. હાલની સ્થિતિએ રાજ્યના 12 જિલ્લા એવા છે જ્યાં ખેતીની સિંચાઈ માટે પાણી સાથે પીવાના પાણીનાં પણ ફાંફા પડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *