ગુજરાતની વ્હારે આવી વિશ્વ ઉમિયાધામની અમેરિકા ટીમ, 12 લાખ ડોલરના ખર્ચે મોકલ્યા 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર

GUJARAT

કોરોના વાયરસના ભરડા વચ્ચે પીસાતા ગુજરાત માટે વિદેશોમાંથી સહાયનો ધોધ અવિરત પણ વરસી રહ્યો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન USAના ટ્રસ્ટીઓ અને દાતાઓનો વતન પ્રેમ હાલ જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્યની સ્થિતિ ખુબ જ કપરી છે. લોકોને ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ સાધનોની તીવ્ર જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે કોરોનાની સ્થિતિમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-USAની ટીમ વહારે આવી છે. અંદાજીત 9 કરોડના ખર્ચે (12 લાખ ડોલર) 335 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન અમેરિકાના ફ્લોરિડાથી ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મેડિકલ મેડિકલ સાધનોની પહેલી ખેપ અમદાવાદ ખાતે આવી પહોંચશે, જે અમદાવાદ જાસપુર વિશ્વ ઉમિયાધામ મંદિરથી રાજ્યની અલગ અલગ હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.

અમેરિકાના ફ્લોરિડાથી અમદાવાદ આવેલા તમામ ઓક્સિજન કોન્સ્ટ્રેટરનું આજે સવારે 10 વાગ્યે મા ઉમિયાના ધામ વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે પુજન થયું હતું. જેમાં ગુજરાતના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, સંસ્થાના પ્રમુખ આર પી પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને દાતાઓ હાજર રહ્યા હતા અને સર્વેએ મા ઉમિયાને આ સંકટમાંથી બહાર આવવાની પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે વાત કરતાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી પટેલે જણાવ્યું હતું કે મા ઉમિયાને પ્રાર્થના કરીએ કે આ તમામ ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાતનો જે પણ દર્દી વાપરે તે તમામ ઝડપથી સ્વસ્થ થઈ જાય. ઉપરાંત 20 જેટલા નિષ્ણાત ડોકટરોની ટીમ વિનામૂલ્યે કોરોના કાઉન્સેલિંગ સેવા આપશે.

રાજ્યમાં આવી પડેલી આફતમાં ન માત્ર પાટીદાર સમાજ પરંતુ સમગ્ર સમાજની પડખે ઉભા રહી એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ ડાયરેક્ટ અમેરિકાથી મોકલશે. જેમાંથી 335 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ભરેલો પ્રથમ જથ્થો ફ્લોરિડાથી વિશ્વઉમિયાધામ મંદિર, જાસપુર અમદાવાદ ખાતે પહોંચ્યો છે. ભારતની સાથે અમેરિકામાં પણ કોરોનાની બીજી લહેરની અસર હોવાથી અમેરિકન સરકારના નિયમોને આધીન દર અઠવાડિયે પ્લેન દ્વારા 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલવાની વ્યવસ્થા કરાઈ છે, જે પૈકી સૌ પ્રથમ 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત પાંચ વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઇન્સ્ટુમેન્ટ્સ અમદાવાદ આવ્યાં છે.

કોરોનાના કારણે ગુજરાત માથે આવેલી કપરી સ્થિતિમાં દર્દીઓને સાચી ગાઈડલાઈન અને સાચા માર્ગદર્શનની તાતી જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે ધર્મના માધ્યમથી વિશ્વઉમિયાધામે આરોગ્ય સેવાનું કામ ઉપાડ્યું છે. રાજ્યના કોઈ પણ ખુણે વસતાં લોકોને જ્યારે પણ કોરોના થાય અથવા કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાય ત્યારે તેને યોગ્ય માર્ગદર્શન અને દવાઓ આપવાનું કામ વિશ્વઉમિયાધામ મંદિર દ્વારા શરૂ કરાયેલી કોવિડ કાઉન્સિલિંગની ટીમ કરશે.

અમેરિકાથી આવનારાં એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ‘ઓક્સિજન બેંક’ શરૂ કરાઈ છે, જેમાં રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન-સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિઃશુલ્ક અપાઈ રહ્યાં છે. છેલ્લા સાત દિવસમાં લગભગ 2100થી વધુ જમ્બો ઓક્સિજન-સિલિન્ડર નિઃશુલ્ક (એકપણ રૂપિયાનો ચાર્જ લીધા વગર) હોસ્પિટલ્સ અને દર્દીઓને આપવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.