ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, ખેડૂતોમાં હરખની હેલી, જાણો ક્યાં-કેટલો વરસાદ?

GUJARAT

છેલ્લા કેટલાક દિવસોથી રૂઠેલા મેઘરાજાએ ગુજરાત પર મહેરબાની કરી હોય તેમ બે દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે, જ્યારે દક્ષિણમાં હાલ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે વલસાડના ઉમરગામ પંથકમાં આભ ફાટ્યું હોય તેમ 9 ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલ દક્ષિણ ગુજરાત તરફ સર્ક્યૂલેશન ઉદ્દભવ્યું હોવાથી વરસાદ આવી રહ્યો છે. જેથી બે દિવસ બાદ રાજ્યમાં વરસાદ ધીમે-ધીમે ઓછો થશે. લાંબા વિરામ બાદ વરુણ દેવની વધામણીના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.

ક્યાં કેટલો વરસાદ?
મહિસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. જિલ્લાના લુણાવાડા, ખાનપુર, વીરપુર, કડાણા, સંતરામપુર અને બાલાસિનોરમાં વરસાદી માહોલ જામ્યો છે. સમગ્ર જિલ્લામાં વીજળીના કડાકા સાથે છૂટો છવાયો વરસાદ શરૂ થવાના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના પગલે જિલ્લામાં 1 લાખથી વધારે હેક્ટરમાં વાવેતરમાં વરસાદનું પાણી મળી આવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

ભાવનગર જિલ્લામાં ગત રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ગારિયાધાર, તળાજા, મહુવા, ઉમરાળા, વલ્લભીપુર, જેસર, પાલીતાણા અને સિંહોર તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં વરસાદનો કુલ આંકડો 43.37 પર પહોંચ્યો છે. જે પૈકી સૌથી વધુ વરસાદ ઘોઘામાં 66 મીમી નોંધાયો છે.

આ સિવાય ગારિયાધારમાં 45 મીમી, તળાજામાં 41 મીમી, મહુવામાં 38 મીમી, ઉમરાળામાં 32 મીમી, વલ્લભીપુરમાં 32 મીમી, ભાવનગરમાં 31મીમી. પાલીતાણા અને જેસરમાં 23 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ સિહોરમાં 17 મીમી નોંધાયો છે.

ગીર-સોમનાથના તલાલામાં બે કલાકમાં સાચા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગેલ હિરણ નદીમાં પાણીની આવક થઈ છે. જ્યારે ઉના તાલુકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય વેરાવળ, સુત્રાપાડા, કોડિનાર અને ગીર-ગઢડામાં પણ વરસાદ નોંધાયો છે.

દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ નોંધાયો છે. જામ કલ્યાણપુર પંથકમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના જામકલ્યાણપુર, ભાટીયા, હરિપર સહિતના ગામોમાં મેઘરાજાએ જમાવટ કરી છે. મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

જો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, છેલ્લા 3 દિવસથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, જામકંડોરણા, વીરપુરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજ રીતે જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માળીયા-હાટીના, માંગરોળ અને કેશોદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

પોરબંદરના બરડા પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. અહીંના બગવદર, અડવાણા, સોઢાના, સીમર, રોજીવાડા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. આ વરસાદના પગલે ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. બોટાદ જિલ્લાના ગઢડા, બરવાળા, રાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *