ગણેશ ઉત્સવ સ્પેશિયલ રેસિપી: મેંદો, માવો અને ખાંડ વિના બનાવો હેલ્ધી મોદક, જાણી લો રેસિપી

GUJARAT

ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને ગણેશજીને જુદા-જુદા ભોગ તરીકે ચઢાવવામાં આવે છે. પોતાની મનોકામના ભગવાન પૂરી કરે એ માટે ભક્તો ભગવાનને મોદક ધરાવે છે. ત્યારે આજે તમને હેલ્ધી મોદક બનાવવાની રેસિપી જણાવીએ કે જે મેંદો, માવો અને ખાંડ વિના બનાવી શકાય છે.

સામગ્રી –

ગોળ / બ્રાઉન સુગર / ખજૂર – 1 કપ
નાળિયેર છીણેલું – 1 કપ
ઘી
ખસખસ – 1/2 ચમચી
ડ્રાયફ્રૂટ્સ
એલચી પાવડર – 1/2 ચમચી
ચોખાનો લોટ – 2 કપ
રેસિપી –

સ્ટફિંગ બનાવવા માટે – હેલ્ધી સ્ટફિંગ બનાવવા માટે, તમે ખાંડને બદલે ગોળ, બ્રાઉન સુગર અથવા ખજૂરનો ઉપયોગ કરી શકો છો. તમે 1 કપ ગોળ સમારીને એક બાજુ પર રાખો. એક પેનમાં ઘી ગરમ કરો. એમાં ખસખસ ઉમેરો. થોડીક સેકન્ડ માટે ધીમી આંચ પર શેકો, ખસખસ ફૂટવા લાગશે.

હવે એમાં છીણેલું નાળિયેર ઉમેરો અને થોડી વાર શેક્યા પછી તેમાં ગોળ ઉમેરો. આને ધીમી આંચ પર શેકાવા દો. થોડી સેકંડ પછી ગોળ ઓગળવા લાગશે. તેને સતત હલાવતા રાખો, ગોળને લગભગ 10 મિનિટ સુધી પકાવો. હવે તમારી પસંદના ડ્રાયફ્રુટ્સ (બદામ, કાજુ, પિસ્તા) અને ઈલાયચી પાવડર નાંખીને ગેસ બંધ કરી દો. હવે આ મિશ્રણને ઠંડુ થવા માટે રાખો.

મોદકનો લોટ બનાવવા માટે – સૌથી પહેલા એક મોટા પેનમાં 2 કપ પાણી, 1 ચપટી મીઠું અને એક ચમચી ઘી લો. તેને સારી રીતે મિક્સ કરો અને પાણીને ઉકળવા દો. પછી 2 કપ ચોખાનો લોટ ઉમેરો અને હળવેથી મિક્સ કરો. ચોખાનો લોટ બધા પાણીને શોષી લે ત્યાં સુધી મિક્સ કરો. તેને 5 મિનિટ માટે ઢાંકી દો.

હવે તેને એક મોટા વાસણમાં કાઢી લો અને લોટ બાંધવા લાગો. લોટ બાંધતા પહેલા હાથ ભીના કરી લો. 5 મિનિટ સુધી લોટ નરમ થાય ત્યાં સુધી લોટ મસળો. મોદકનો લોટ તૈયાર છે. જો લોટ સૂકો લાગે તો હાથ ભીના કરીને ફરીથી મસળી લો.

મોદક બનાવો – મોદકના મોલ્ડને ઘીથી ગ્રીસ કરો જેથી તે ચોંટે નહીં. હવે ચોખાના લોટની રોટલી જેવું વાણીને મોલ્ડમાં બેસાડો, વચ્ચેની જગ્યામાં નાળિયેર-ગોળનું તૈયાર કરેલું મિશ્રણ ભરો. મોલ્ડને ટાઈટ બંધ કરીને બહાર નીકળેલો લોટ હટાવી લો. હવે મોદક તૂટે નહિ એ રીતે મોદકને મોલ્ડમાંથી બહાર કાઢો. આ જ રીતે બધા જ મોદક તૈયાર કરી લો.

હવે એક વાસણમાં 2-3 કપ પાણી લો અને એમાં એક સ્ટેન્ડ મૂકીને પાણીને ફૂલ ગેસ પર ગરમ થવા મૂકી ડો. હવે મોદકને સ્ટેન્ડ પર મૂકીને વરાળ પર બાફી લો. 10-15 મિનિટ માટે બાફી લો. તૈયાર છે હેલ્ધી મોદક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *