ગણેશ ચતુર્થી: તાપીમાં મહિલાઓએ નાળિયેરના રેસામાંથી બનાવ્યા ઈકો ફ્રેન્ડલી ગણપતિ

GUJARAT

સરકારે આ વર્ષે ગણપતિ ઉત્સવની મંજૂરી આપી દીધી છે, ત્યારે આ પર્વની ઉજવણી માટે લોકોએ ફણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમાં પણ આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતિની ડિમાન્ડ વધુ જોવા મળી છે. તાપી જિલ્લાના બોરખડી ગામ (નાની કુંડળ)ના સખી મંડળની મહિલાઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવ્યા છે. આ ગણપતિ ખાસ કરીને નારિયેળીના રેસામાંથી બનાવવામાં આવ્યા છે.

ગણપતિ ઉત્સવની મંજૂરી મળ્યા બાદ લોકો હવે પોતાની પસંદગીની ગણપતિજીની મૂર્તિઓ બુક કરાવવા લાગ્યા છે. આ સમયે તાપી જિલ્લામાં બોરખડી (નાની કુંડળ)ગામની “સ્નેહા સખી મંડળ”ની મહિલાઓ દ્વારા નારિયેળીના રેસામાંથી ગણપતિજીની મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ મહિલાઓ દ્વારા એક ફૂટથી લઈને ચાર ફૂટ સુધીની ગજાનનની મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ માટે સખી મંડળની મહિલાઓએ ખાસ તાલીમ મેળવીને મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી છે.


આ અંગે સખી મંડળના જયશ્રીબેન ચૌધરીએ જણાવ્યું કે, નાળિયેરના રેસામાંથી ગણપતિજી બનાવવા માટે મહિલાઓને તાલીમ આપવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી અમે આ રીતની મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી છે. એક ફૂટથી લઈને ચાર ફૂટની મૂર્તિઓ મહિલાઓ પોતાના ઘરમાં જ બનાવે છે. ઘરના કામ અને ખેતી કામ સાથે આ મહિલાઓ નારિયેળના રેસામાંથી વિવિધ વસ્તુઓ અને મૂર્તિઓ બનાવે છે. આ કામ થકી તેઓ પરિવાર અને કુટુંબને મદદ કરે છે.

આ મૂર્તિઓ 501થી લઈને 5500 સુધીમાં વેચાતી હોય છે. તેના કારણે મહિલાઓને પગભર થવા માટે એક અલગ રસ્તો મળી ગયો છે. જ્યારે પણ ઘર કામમાંથી અને ખેતીકામમાંથી મહિલાઓને સમય મળે છે, ત્યારે તેઓ આ પ્રકારના કામ કરતી હોય છે.

ગણપતિની સાથે-સાથે આ મહિલાઓ અલગ-અલગ વસ્તુઓ પણ નાળિયેરના રેસામાંથી બનાવતી હોય છે. હાલ ગણપતિ મહોત્સવને લઇને આ મહિલાઓએ વિવિધ પ્રકારની ગણપતિજીની મૂર્તિઓ બનાવી છે. મૂર્તિની કિંમત મૂર્તિમાં કરવામાં આવેલા ડેકોરેશન અને સાઈઝના આધારે નક્કી થતી હોય છે.

સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રતિનિધીઓએ જ્યારે આ સખીમંડળના સ્ટોલની મુલાકાત લીધી, ત્યારે તેઓ ખુબજ પ્રભાવિત થયા અને તેઓએ આ મહિલાઓને પ્રોત્સાહન આપવા ગણેશજીની તમામ પ્રતિમાઓ ખરીદી તેઓને પ્રોત્સાહન પૂરુ પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *