ડીસામાં કેટરિંગની આડમાં સગીરાની સોદાબાજી

Uncategorized

દોઢ માસથી લાપતા લિંબાયતની 15 વર્ષીય સગીરાને પરિવારજનોએ ભારે રઝળપાટના અંતે પોલીસની મદદથી આંધ્રપ્રદેશથી શોધી કાઢી હતી. સગીરાની પૂછપરછમાં કેટરિંગના ધંધાની આડમાં સગીરાઓની સોદાબાજી થતી હોવાના ચોંકાવનારા નેટવર્કનો ઘટસ્ફોટ થયો હતો. સગીરાને કેટરિંગમાં નોકરીના બહાને ડીસા લઇ જઇ દલાલ મારફતે રાજસ્થાની યુવકને 4 લાખમાં વેચી દેવાઇ હતી અને આ યુવક બળજબરીથી લગ્ન કરી આંધ્રપ્રદેશ લઇ જઇ સગીરાનું યૌનશોષણ કરતો હોવાનો ખુલાસો થયો હતો.

મળતી વિગતો પ્રમાણે લિંબાયતના ખાનપુરા ખાતે રહેતી 15 વર્ષીય નજમા (નામ બદલ્યું છે)ને શબનમ નામની પરિચિત મહિલા ગત તા. 19મી ઓક્ટોબરના રોજ અમદાવાદ કેટરિંગના કામાર્થે લઇ ગઇ હતી. અમદાવાદથી રેહાનામાસી સાથે તેઓ કેટરિંગના કામ માટે બનાસકાંઠાના ડીસા ખાતે કાલુસિંહ ઠાકોરના ઘરે ગયા હતા. કાળુસિંહે કેટરિંગના કામ માટે એક જ છોકરીની જરૂર છે એમ કહી નજમાને સાથે રાખી 3-4 દિવસ પછી બોલાવવાનું કહી રેહાના અને શબાનાને પરત મોકલી આપી હતી. આ બંનેના ગયા બાદ કાળુસિંહે રાજસ્થાનના વતની એવા ઉત્તમસિંહ સાથે નજમાનો સોદો કરી નાંખ્યો હતો. 4 લાખમાં નજમાને વેચી દીધી હતી. ત્યારબાદ બળજબરીથી ફૂલહાર કરી ઉત્તમસિંહ અને નજમાનાં લગ્ન પણ કરાવી દેવાયા હતા. નજમાએ વિરોધ કર્યો તો તેણીને ધાકધમકી અપાઇ હતી. અહીં

કાળુસિંહની પત્ની પાયલ અને ચંદ્રિકા નામની મહિલાએ સગીરા સાથે મારઝૂડ પણ કરી હતી. ત્યારબાદ ઉત્તમસિંહ સાગરીતો સાથે મળી પીડિતા નજમાને કારમાં વતન રાજસ્થાનના ભીમાર લઇ ગયો હતો. અહીં પોતાના ઘરે પાંચેક દિવસ નજમાને રાખી ધાકધમકી આપી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ઉત્તમસિંહ સગીરાને ફલાઇટમાં બેસાડી આંધ્રપ્રદેશ લઇ ગયો હતો. જ્યાં તેને આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં અન્નાવરમ ખાતે એક ભાડાના મકાનમાં એકાદ મહિનો રાખી વારંવાર યૌનશોષણ કર્યું હતું.

સગીરાને આંધ્રપ્રદેશ લેવા ગયેલી શબાનાને પણ ગોંધી રખાઈ

માનવ તસ્કરીનો ભોગ બનનારી પીડિતા નજમાને ઉત્તમસિંગે આંધ્રપ્રદેશ ખાતે એક રૂમમાં ગોંધી રાખી હતી. જ્યાં ઉત્તમસિંગે 4 લાખમાં કાળુસિંગ પાસે ખરીદી હોવાની પણ પીડિતાને હકીકત જણાવી હતી. થોડા દિવસો પછી ઉત્તમસિંહે શબાનાને કોલ કરી નજમાના આઇડી પ્રૂફ લઇને આંધ્રપ્રદેશના એડ્રેસ પર બોલાવી હતી. શબાના પીડિતા નજમાના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ લઇ આંધ્રપ્રદેશના અન્નાવરમ ગઇ તો ત્યાં ઉત્તમસિંહે નજમા સાથે શબાનાને પણ એક રૂમમાં ગોંધી દીધી હતી.

અપહરણ, બળાત્કાર, ધાકધમકી, માનવ તસ્કરી, પોક્સો હેઠળ ગુનો

આંધ્રપ્રદેશથી પરત સુરત ફરેલી સગીરા નજમાએ લિંબાયત પોલીસ સમક્ષ સમગ્ર હકીકત બયાન કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. લિંબાયત પોલીસે આ મામલે ઝીરો નંબરથી અપહરણ, બળાત્કાર, મારપીટ, ધાકધમકી, માનવ તસ્કરી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો અને બાદમાં આ ફરિયાદ ડીસા રૂરલ પોલીસને ટ્રાન્સફર કરી દીધી હતી. છોકરીઓની સોદાબાજીના મુખ્ય સૂત્રધાર કાળુસિંહ ઠાકોર સહિત 8 જણા સામે ગુનો નોંધાયો હતો.

અમદાવાદની રેહાનાનું નામ એફઆઈઆરમાં ન હોય તો પણ તપાસનો વિષય

સામાજિક કાર્યકરની મદદથી સદ્ભાગ્યે સુરત આવી પહોંચેલી એ માસૂમ તરુણી સાથે થયેલા બળાત્કારના ગુનાનો પ્રારંભ આમ તો અમદાવાદથી થયો છે. રેહાનાએ પોતાના પરીચિતોની મદદથી કેટરિંગના કામ માટે તરુણીને અમદાવાદ બોલાવી તરુણીની અનિચ્છાએ કાળુસિંહના હવાલે કરી. કાળુસિંહે તરુણીનો સોદો કર્યો. ચંદ્રિકા અને ભૂરસિંહે તરુણી શરણે ન થઈ ત્યાં સુધી તેની પર અત્યાચાર ગુજાર્યો. તરુણીને ખરીદનાર ઉત્તમસિંહે આંધ્રપ્રદેશ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો. ગુનાની આ હકીકતમાં રેહાના પ્રથમ ક્રમે આવતી હોય ત્યારે તેની ભૂમિકા ચોક્કસ જ તપાસનો વિષય છે.

આંધ્રમાં ગોંધી રખાયેલી નજમા અને શબાનાને છોડવા ઉત્તમસિંગે 4 લાખ માંગ્યા

નજમાને લેવા આંધ્રપ્રદેશ પહોંચેલી શબાનાને ઉત્તમસિંહે જણાવ્યું કે, * યે લડકી કો ચાર લાખ મેં મૈંને કાળુસિંહ કે પાસ ખરીદ લીયા હૈ, લડકી કી મા કો બોલો કે મેરે ચાર લાખ રૂપિયા દે ઔર તુમ દોનો કો યહાં સે લે કે જાયે*. આ વાત સાંભળી શબાના ચોંકી ગઇ હતી. શબાનાએ આંધ્રપ્રદેશથી નજમાના પરિવારજનોને કોલ કરી સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ નજમાના પરિવારજનો સ્થાનિક સામાજિક આગેવાન અને છૈંસ્ૈસ્ સુરત શહેર અધ્યક્ષ વસિમ કુરેશી અને લિંબાયત પોલીસની મદદ લઇ આંધ્રપ્રદેશ ગયા હતા, જ્યાં અન્નાવરમ પોલીસને સાથે રાખી ઉત્તમસિંહના ઘરે દરોડા પડાયા હતા. આ રીતે સગીરા નજમા અને શબાનાને મુક્ત કરાવાઇ હતી. આંધ્ર પોલીસે ઉત્તમસિંગને અટકાયતમાં લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *