શહેરકોટડામાં વિધવા મહિલા નોકરી પૂર્ણ કરીને ઘરે જઇ રહી હતી ત્યારે એક યુવકે મહિલાને બાથમાં પકડીને શારિરીક અડપલા કર્યા હતા. આ અંગે મહિલાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવક સામે છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી પાડીને વધુ તપાસ હાથધરી છે.
શહેરકોટડા વિસ્તારમાં એક વિધવા મહિલા તેના પુત્ર સાથે રહે છે. સોમવારે બપોરના 1.30 વાગ્યાની આસપાસ મહિલા નોકરી કરીને ચાલતી ચાલતી ઘરે જતી હતી. આ દરમ્યાન ધાબાવાળી ચાલીમાં આવેલ મંદીર પાસે જીગ્નેશ ડોડીયા વિધવા મહિલાને ખરાબ નજરે જોઇ રહ્યો હતો. જેથી મહિલાએ યુવકને જોવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇને ગાળો બોલી હતી.
બાદમાં જીગ્નેશે મહિલાને બાથમાં પકડી લઇને શારિરીક અડપલા કર્યા હતા. બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવીને મહિલાને બચાવી હતી. બાદમાં મહિલાએ કંટ્રોલરુમમાં ફોન કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં પોલીસે જીગ્નેશ ડોડીયાની અટકાયત કરી હતી. આ અંગે વિધવા મહિલાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં જીગ્નેશ ડોડીયા સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.