ભાજપ સરકારના મંત્રીમંડળમાં ‘નો રિપિટ થિયરી’ની અટકળો વહેતી થઈ છે, જેના કારણે સત્તાની લાલચમાં કોંગ્રેસના તકવાહી પેરાશૂટોની ભાજપ સરકારમાં નહિ ઘરના, નહિ ઘાટના જેવી હાલત થવાની છે. કોંગ્રેસથી છેડો ફાડનારા તકવાદી પેરાશૂટોમાં છેલ્લે કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને હકુભા જાડેજા ભાજપની સરકારમાં મંત્રી હતા, જોકે નો રિપિટ થિયરી અમલી બને તો બાવાના બેય બગડયા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, મંત્રીપદેથી હકાલપટ્ટી બાદ માત્ર ધારાસભ્ય બનીને રહેવાનો વારો આવશે, એટલું જ નહિ પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટમાંથી પત્તુ કપાય તો નવાઈ નહિ.
સત્તાનો સ્વાદ ચાખવા માટે કોંગ્રેસના સંખ્યાબંધ સત્તાલાલચુ ધારાસભ્યોએ ખરા સમયે કોંગ્રેસ સાથે દ્રોહ કર્યો હતો અને ભાજપમાં જોડાઈ ગયા હતા, ભાજપની સરકારમાં અત્યારે ત્રણ મૂળ કોંગ્રેસી પેરાશૂટો મંત્રી પદે છે, જો નો રિપિટ થિયરી લાગુ પડે તો તેમની ભૂંડી દશા થવાની છે, હજુયે કોંગ્રેસમાંથી આવેલા અન્ય નેતાઓ ભાજપમાં સારું પદ મળે તેની રાહ જોઈ રહ્યા છે, ઘણા એવા ય છે કે, કોંગ્રેસમાં જોરદાર દબદબો હતો, પરંતુ ભાજપમાં હાંસિયામાં ધકેલાયા છે પણ જાહેરમાં તેઓ ચું કે ચાં કરી શકતા નથી, તેમને કોઈ તક મળશે કે કેમ તેનો પણ ગુુરુવારે ફેંસલો થશે.
ગુજરાતમાં વિધાનસભા અને રાજ્યસભા ચૂંટણીના ખરા સમયે જ કોંગ્રેસના ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો હતો, જે તે વખતે ચૂંટણીમાં આવા ધારાસભ્યો માટે કોંગ્રેસે ગદ્દારના નામે પ્રચાર વહેતો કર્યો હતો, સાથે જ એવી ટિખળ વહેતી થઈ હતી કે, ભાજપ સરકારમાં કોંગ્રેસમાંથી આવનારાને જ મંત્રી પદ મળે, બાકી ભાજપના વર્ષો જૂના વફાદારોને તો ખુરશી જ સાફ કરવાની રહે છે. આ પ્રકારના સતત પ્રચાર પછી ભાજપના મોવડીઓએ વખતો વખત એવા નિવેદન આપ્યા હતા કે, હવે ભાજપમાં કોંગ્રેસના લોકોની ભરતી કરવામાં નહિ આવે.