છાપરામાં તણાયેલા રાજકોટના ઉદ્યોગપતિનો 24 કલાક પછી કારમાંથી મૃતદેહ મળ્યો, નદીમાં 55 મીટર કાદવમાં કાર ખુપી

GUJARAT

સૌરાષ્ટ્રમાં 30 ઇંચ સુધીના ઝંઝાવાતી વરસાદે ઠેર-ઠેર વેરેલી તારાજી આજે બહાર આવી રહી છે આજે સોરઠમાં 6થી 7 ઇંચ ધોધમાર વરસાદ વચ્ચે સૌરાષ્ટ્રના 81માંથી 34 ડેમોને હાઈ એલર્ટ અને 12ને એલર્ટ જાહેર કરાયા છે. ગાંડીતૂર નદીઓના ધસમસતા પૂર વચ્ચે સેંકડો ગામો સંપર્કવિહોણા છે જેમાં રકાબી જેવો આકાર ધરાવતો પોરબંદર જિલ્લાનો ઘેડ પંથક ટાપુમાં ફેરવાઈ ગયો છે. જામનગર, વેરાવળની અનેક સોસાયટીઓમાં હજૂ પાણી ઓસર્યા નથી. મકાનો, દુકાનોમાં ભારે તારાજી સર્જાઈ છે. સૌરાષ્ટ્રના 15થી વધુ સ્ટેય હાઈ-વે સહિત 150થી વધુ માર્ગો બંધ છે. ખેતરો તળાવમાં ફેરસાઈ ગયા છે. જ્યારે અસંખ્ય અબોલ જીવોના મોત થયા છે.

ગઈકાલે ભારે વરસાદમાં તણાયેલા રાજકોટના ઉદ્યોગપતિ અને જામનગરમાં બે લોકો સહિત 3ના મૃતદેહ આજે મળ્યા હતા. ઉપલેટા પાસે એક યુવાન તણાયા બાદ લાપત્તા છે. ભાદરવે ભરપૂર વરસેલા મેઘરાજાએ સૌરાષ્ટ્રના જળસંકટને દૂર કરી દીધું છે, પરંતુ જાન-માલને ઘણી નુકસાની થઈ છે. રાજકોટ જિલ્લામાં 25માંથી 13 ડેમ 100% ભરાઈ ગયા છે. જ્યારે ભાદર ડેમ 70%થી વધુ ભરાઈ ગયો છે.

રાજકોટ શહેરમાં 22 ઇંચ વરસાદ થંભ્યા બાદ ઠેર-ઠેર તારાજીના દૃશ્યો જોવા મળે છે. રામનાથપરા, લલૂડી વોંકળી, આજી નદીના કાંઠે સેંકડો લોકોની ઘરવખરી તારાજ થઈ ગઈ છે. માર્ગો ઉપર મોટા-મોટા ગાબડા પડી ગયા છે. શહેરમાં અનેક દુકાનોમાં માલ-સામાનને ભારે નુકસાન થયું છે.

જામનગરને વરસાદના વિરામ છતા કોઈ કળ વળી નથી. અહીં સ્મશાનથી મંદિરો સુધી ભારે નુકસાની થઈ છે, અલિયા, સમાણા, ખીમરાણા, ધૂંવાવમાં ઠેર-ઠેર પાણી ભરાયેલા છે. ગ્રામજનોને ભારે નુકસાની થઈ છે. ભાદર, ઓઝત અને મધૂવંતીના પાણી ફરી વળતા કુતિયાળા નજીકનો ઘેડ પંથક ટાપુમાં ફેરવાઈ ગયો છે. અહીંના અગ્રણીઓએ હોડીમાં નિરીક્ષણ કરતા જણાવ્યું કે 25 જેટલા ગામો સંપર્કવિહોણા છે, અહીં ઊંધી રકાબી જેવો આકાર હોય પાણી ભરાયેા રહે છે. પોરબંદર જિલ્લામાં 15 રસ્તા બંધ થયા છે. કુતિયાણાના ચોટા ગામે એનડીઆરએફ દ્વારા 10 લોકોને રેસ્ક્યૂ કરાયા હતા.

ગીર-સોમનાથ જિલ્લામાં સતત વરસાદથી દેવકા નદીના પૂર વેરાવળની અનેક સોસાયટીઓમાં ફરી વળ્યા હતા. વેરાવળ-ગડુ રોડ પાણી ભરાતા બંધ કરાયો હતો. એક તરફ હિરણ ડેમ છલકાવાના આરે હોઈ પાણી પ્રશ્ન હલ થઈ ગયો છે તો બીજી તરફ ડેમના હેઠવાસના ગામો ઉપર જોખમ સર્જાયું છે.

જામનગર, ભાવનગર, જૂનાગઢમાં એસ.ટી.ની 125 ટ્રીપ રદ થઈ છે. જામનગર પાસે રેલવે ટ્રેકને થયેલા નુકસાનના મરામતની કામગીરી ચાલી રહી છે. જૂનાગઢ જિલ્લામાં આજે પણ 6થી 7 ઇંચ વરસાદ વચ્ચે ખેતરોમાં તળાવો જેવી સ્થિતિ સર્જાઈ છે. ગાંડીતૂર નદીઓ અને છલકાયેલા જળાશયોના પાણીથી અનેક રસ્તા બંધ થઈ ગયા છે.
માંગરોળમાં અનરાધાર 06 ઇંચ વરસાદથી નોળી નદીમાં પૂર આવ્યું છે.

દરિયામાં કરન્ટઃ બે બોટોને તોફાનમાંથી બચાવી લેવાઈ

સૌરાષ્ટ્રમાં તોફાની દરિયામાં ફસાયેલી જાફરાબાદ, શિયાળબેટની બે બોટોના ખલાસીઓને અન્ય બોટો વડે કાંઠે લાવવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના દરિયામાં આજે કરન્ટ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.