ચેતી જજો! સુરતમાં ફરી કોરોના વકર્યો: ઉત્સવની ઉજવણીમાં સંયમ નહીં જળવાય તો આગામી દિવસો ચિંતાજનક

GUJARAT

તહેવારોની ઉજવણી સાથે સુરત સિટીમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રતિદિન એકલદોકલ કેસની સંખ્યા વચ્ચે વિતેલા એક સપ્તાહમાં 31 વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોવાનું નોંધાયું છે. આ દર્દીઓની ચાલી રહેલી સારવાર વચ્ચે સુરતનો પોશ વિસ્તાર કહેવાતા ઇચ્છાનાથ-પીપલોદ વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટીવ જાહેર થતાં પાલિકાનું આરોગ્ય તંત્ર ફરી દોડતું થયું છે.

સુરતમાં તહેવારોની રોનક અને ચમકદમક વચ્ચે કોરોના બિલ્લી પગે ફરી પગપેસારો કરી રહ્યો છે. વિતેલા સપ્તાહમાં 31 નવા કેસો નોંધાયા છે. આ તમામ કોવિડ દર્દીઓની સારવાર ચાલી રહી છે. દૈનિક નવા એકથી બે કેસ નોંધાઇ રહ્યાં છે. દરમિયાન બુધવારે એક જ પરિવારના એકસાથે 04 સભ્યો કોરોના પોઝિટિવ જાહેર થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. એક જ કુટુંબના ચાર સભ્યો કોરોના પોઝિટિવ જાહેર થતાં તમામને આઇસોલેશનમાં લઇ સારવાર શરૂ કરવામાં આવી હતી.

જોકે, તમામ દર્દીઓમાં કોવિડના ગંભીર લક્ષણો જણાયા નહીં હોય આસપાસના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. આરોગ્ય તંત્રે પોઝિટીવ જાહેર થયેલા દર્દીઓના સંપર્કમાં આવેલી વ્યક્તિઓના પણ રેપીડ ટેસ્ટ કર્યા હતા. અલગ અલગ 75 જેટલી વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ વ્યક્તિઓનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

વધુમાં, તંત્રે કરેલી તપાસમાં કોવિડ પોઝિટીવ જાહેર થયેલા ચારેય દર્દીઓ પૈકી બે વ્યક્તિ દ્વારા કોરોનાની રસીના બંને ડોઝ લેવામાં આવ્યા છે. એક વ્યક્તિ દ્વારા એક ડોઝ લેવાયો છે. તો, અન્ય એકની ઉંમર 18 વર્ષથી ઓછ હોય રસીકરણ થયું નથી. તેવું જાણવા મળ્યું હતું. પાલિકાના ડેપ્યુટી કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો. આશીષ નાયકે જણાવ્યું કે, શહેરીજનો કોરોનાને લઇ બેફિકર થઇ ચૂક્યા હોવાનું વિતેલા ત્રણ સપ્તાહ દરમિયાન નોંધાયેલા નવા કેસો પરથી જણાય રહ્યું છે. આ જ પ્રકારે કેસો વધશે તો ભવિષ્યમાં કોરોના ફરી મોટી ચિંતા ઊભી કરશે. કોરોનાથી બચવા માટે શહેરીજનો અચૂક પણે કોવિડ ગાઇડલાઇન ફોલો કરે તે જરૂરી બન્યું છે. સેનિટાઇઝેશન, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો અમલ કરી શહેરને કોરોના મુક્ત રાખવાની સામુહિક જવાબદારી ઉપાડવી અનિવાર્ય છે.

સુરતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 70 પ્લસ

કોરોનાની બીજી લહેર બાદ જાહેર આરોગ્યની સ્થિતિમાં ક્રમશ સુધારો નોંધાયો છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી તહેવારોની મોસમ શરૂ થઇ છે. આ સાથે જ કોરોના કેસોમાં આંશિક ઉછાળો નોંધાયો છે. હાલ ચાલી રહેલા ગણેશોત્સવ દરમિયાન અનેક સ્થળે લોકો ટોળે વધી રહ્યાં છે. કોરોના પ્રત્યે શહેરીજનોની આ લાપરવાહી ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.

ઉત્સવની ઉજવણીમાં સંયમ નહીં જળવાય તો સુરત શહેરનું જાહેર આરોગ્ય ફરી બગડી શકે છે. ઉત્સવની ઉજવણીમાં સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ નહીં કરવાથી જોખમ વધી શકે છે. હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને ફરી 70 પ્લસ થઇ ચૂકી હોવાનું રેકર્ડ ઉપર નોંધાયું છે.

સિટી સ્કેન સેન્ટરો ઉપર ફરી ભીડ વધવા માંડી

કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સિટી સ્કેન સેન્ટરો દર્દીઓથી ઊભરાયા હતા. RT-PCR રિપોર્ટ કઢાવવા માટે કલાકો સુધી લાંબી લાઇનો જોવા મળી હતી. ધીમે ધીમે સુરત ફરી આ સ્થિતિ તરફ સરકી રહ્યું છે. શહેરના કેટલાક વિસ્તારોમાં કાર્યરત સિટી સ્કેન સેન્ટરો ઉપર કોરોનાના લક્ષણો ધરાવતા સંખ્યાબંધ દર્દીઓ રિપોર્ટ કઢાવી રહ્યાં છે. આ સંખ્યા પ્રતિદિન વધી રહી હોવાનું મેડિકલ ક્ષેત્રે જાણીતા તબીબોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *