”થૅન્ક્યૂ!” મનોરમાએ હસીને જવાબ આપ્યો. થોડો સમય બન્નેએ પોતપોતાની વાત કરી અને ”નિરાંતે રૂબરુ મળીશું” ના વાક્ય સાથે સંવાદ પૂરો કરીને મનોરમાએ રિસીવર મૂક્યું કે તરત ફરી વખત ફોનની ઘંટડી વાગી. આ વખતે તેની સહેલીએ લગ્નની વર્ષગાંઠની શુભેચ્છાઓ આપી. આ વાત-ચીત પૂરી થઈ એટલે અન્ય ફોન ન આવે તે ખાતર મનોરમાએ રિસીવર નીચે મૂકી દીધું.
સવારે મનોરમાના જાગતાં પહેલાં જ બન્ને બાળકો જાગીને, નહાઈ-ધોઈને તૈયાર થઈ ચૂક્યાં હતાં. મનોરમાની આંખ ખૂલતાં જ, ”મમ્મી! લગ્ની વર્ષગાંઠનાં અભિનંદન!” કહેતાં બન્ને બાળકોએ તેને હલબલાવી નાખી. પોતાનો અવસાદ છુપાવીને ‘થેન્ક્યૂ’ કહેતાં મનોરમાએ બન્ને બાળકોને છાતી સરસાં ચાંપી દીધાં. ઓચિંતી છલકાવા આવેલી આંખોનાં આંસુ પરાણે અટકાવી, તેણે બન્ને બાળકોને વારાફરથી ચૂમી લીધાં. પોતાની માતાની મનોવેદનાના અણસારથી પણ અજાણ્યાં બાળકો નિર્દોષતાથી માતા સાથે વાતે વળગ્યાં.
”મમ્મી! આજે ફરવા જઈશું અને બહાર હોટલમાં જમી લઈશું…” મોટી દીકરી કાજલે કહ્યું.
”પપ્પાને પૂછી લેજો, તે કહેશે તેમ કરીશું.” મનોરમાએ જવાબ આપ્યો.
”ના, મમ્મી! તમે જ પૂછીને નક્કી કરીને અમને કહેજો, પણ આજે ફરવા જવું છે, એ તો નક્કી જ છે…” પુત્ર ચિન્તને રૂઆબથી કહ્યું.
મનોરમાએ પણ સંમતિમાં ડોકું હલાવ્યું. બન્ને બાળકોએ પણ આપસ-આપસમાં એકબીજાને સંકેત કર્યો અને અને તે બહાર જતાં રહ્યાં.
મનોરમા પછી આડી પડી અને વિચારવા લાગી. બાળકોએ એક ક્ષણ માટે પણ પપ્પાને અભિનંદન આપવાની મરજી પ્રગટ નથી કરી. હંમેશાં પિતાથી ડરતાં જ રહેતાં હોવાથી તે કદી તેમની સામે વાત કરવાની પણ હિંમત ન કરતાં. બાળકો સમજણાં થયાં ત્યારથી તેમણે પિતાથી દુભાયેલી માતાને હંમેશાં રડતી જ જોઈ હતી. આથી એ લોકોને પણ પિતા પ્રત્યે કોઈ આકર્ષણ રહ્યું નહોતું. જ્યારે બાળકોના પિતા કદાચ એ પણ નહીં જાણતા હોય કે તેમનાં બાળકો ક્યાં ધોરણોમાં અભ્યાસ કરતાં હતાં. આ બધી પળોજણો કરવા માટે તો મનોરમા હતી!
”મમ્મી! આ તમારા માટે…” કહીને કાજલે એક આકર્ષક ‘બેંગલ બૉક્સ’ મનોરમાને આપી.
”થેન્ક્યૂ, દીકરી! આ તો બહુ જ સરસ છે.” મનોરમા ખુશ થઈને બોલી.
”મમ્મી! હું તમારા માટે શું લાવ્યો હોઈશ, એ કહી દો, તો ખરાં…!” ચિંતને કહ્યું.
”મારો વાઘ મારા માટે શું લાવ્યો હશે…? શું લાવ્યો હશે…? ખ્યાલ નથી આવતો, બેટા! હું હારી ગઈ… તું જ કહી દે…” મનોરમાએ વિચાર કરવાનો અભિનય કરતાં કહ્યું.
ચિંતનના બાળસહજ સ્વભાવ માટે લાંબા સમય સુધી રહસ્ય જાળવી રાખવાનું મુશ્કેલ હતું. તેણે ત્વરાથી મનોરમાના હાથમાં એક પેકેટ મૂકી દીધું. પેકેટની ઉપરનો કાગળ ખોલીને ‘શું હશે?’નું વિસ્મય અનુભવતી મનોરમા કાર્ડબોર્ડના ખોખામાંથી વસ્તુ બહાર કાઢીને બોલી, ”મજા પડી ગઈ! મારે આવું વાળ ઓળવાનું બ્રશ જોઈએ છે, તેના મારા દીકરાને ક્યાંથી ખબર પડી ગઈ? તમે બન્ને મારો કેટલો બધો ખ્યાલ રાખો છો!”
મનોરમાના સ્વરમાં બાળકોની પોતાના પ્રત્યેની લાગણીનો ભારોભાર આત્મસંતોષ પ્રગટતો હતો. બન્ને બાળકોનો આટલો સરળ અને નિર્વ્યાજ સ્નેહ જોઈને મનોરમા ઘડીભર પોતાની ઉદાસી, થાક અને તંગદિલી ભૂલી ગઈ. નવજીવન પામી હોય તેમ ઝટ એ પલંગમાંથી બહાર આવી ગઈ. પછી બાળકોને સંબોધીને કહેવા લાગી, ”સારું, ચાલો હવે તમે બન્ને સ્કૂલે જવા માટે ઝડપથી તૈયાર થઈ જાવ. ત્યાં સુધીમાં હું તમારા માટે, તમને ભાવતો નાસ્તો તૈયાર કરી દઉં છું.”
બાળકો પણ આજે અનોખા મિજાજમાં હતાં એટલે કશી પણ આનાકાની કે તોફાન-મસ્તી વિના સરળતાથી તૈયાર થઈ ગયાં. એ બન્નેને સ્કૂલ માટે રવાના કરીને મનોરમાનએ બ્રશ કરતાં કરતાં પોતાના માટે ચા બનાવી અને ચાનો કપ લઈને પોતાના શયનખંડમાં જતી રહી. એ પોતાની ચા પૂરી કરે એ પહેલાં જ તેના પતિ અજયની પણ ઊંઘ ઊડી ગઈ. બાળકોને સંભારીને તેણે જ અજય સાથે વાતચીતની શરૂઆત કરી, ”મૅની હૅપી રિટર્ન્સ ઑફ અવર મૅરેજ એનિવર્સરી…!”
”થૅન્ક્સ…” અજયે પોતાની આદત અનુસાર મનોરમા સામે જોયા વિના જ ટૂંકો અને રૂક્ષ જવાબ આપ્યો. છેલ્લા બે-ત્રણ મહિનાથી અજય અને મનોરમા ખપ પૂરતી જ વાતચીત કરતાં. બન્ને વચ્ચે વિખવાદનું કશું જ કારણ નહોતું તેમજ એવી કોઈ સંભાવના પણ નહોતી, પરંતુ કશા દેખીતા કારણ વિના જ ઝઘડો કરવાની અજયની કુટેવ અનેક પ્રયત્નો પછી પણ મનોરમા સુધારી શકી નહોતી. આથી રોજરોજ લોહી-ઉકાળા કરવા કરતાં જરૂર પૂરતી વાતચીત કરવાનું જ મનોરમાએ મુનાસિબ માન્યું હતું.
તૈયાર થઈને પોતાની કોઈ વસ્તુ શોધવાનું બહાનું કરીને અજય તમામ ચીજો ઊલટી સૂલટી કરવા લાગ્યો હતો. મનોરમા એક તરફ મનમાં ફફડાટ અનુભવતી ઊભી હતી. ઓરડામાં એક ભારેખમ ચૂપકીદી બોજ બનીને લટકી રહી હોય તેમ લાગતું હતું. મનોરમાએ ચૂપકીદીનો ભંગ કરવાના આશયથી અથવા ખામોશીનું ભારણ સહી ન શકવાને કારણે, ધીમેથી કહ્યું, ”બાળકો આજે બહાર ફરવા જવાની અને હોટલમાં જમવા જવાની જીદ કરતાં હતાં…”