‘ભક્ત’ રાવણ પાછળની કહાની:નરસિંહ મહેતાના રોલને કારણે અરવિંદભાઈને રાવણનો રોલ મળ્યો!, સિરિયલમાં જ્યારે રાવણવધ થયો એ દિવસે આખો દેશ રડ્યો હતો

nation

રામાનંદ સાગર નિર્મિત ‘રામાયણ’ ઇતિહાસ સર્જક સિરિયલ બની છે. એનું કારણ રામાનંદ સાગરનું વિઝન, તેમનો સંપૂર્ણ સમર્પણભાવ હતો. એક-એક પાત્ર એવું પસંદ કર્યું કે એ પાત્ર પછીની રામાયણ આધારિત ઘણી સિરિયલમાં અનેક અભિનેતાઓ ભજવી ગયા, પણ રામાનંદ સાગરની ‘રામાયણ’નાં પાત્રો સાડાત્રણ દાયકા પછી પણ લોકોનાં દિલો-દિમાગમાં છવાયેલાં છે.

રાવણના પાત્ર માટે 400 લોકોનાં ઓડિશન લીધાં હતાં

રામાનંદ સાગરે રામાયણ સિરિયલ માટે લગભગ બધાં પાત્રોની પસંદગી કરી લીધી હતી. રાવણના પાત્ર માટે પ્રભાવશાળી અભિનેતા મળતા નહોતા. હવે કરવું શું ? એવો સવાલ આવીને ઊભો રહ્યો. રામાનંદ સાગરે રાવણના પાત્ર માટે 400 જેટલાં ઓડિશન લીધાં, પણ તેમના મનમાં જે પાત્ર હતું તેવો ‘લંકેશ’ મળ્યો નહીં. આટલાં બધાં ઓડિશન પછી મેળ ના પડ્યો એટલે મોતી સાગરે કહ્યું, બહુ વિચારીશું તો સિરિયલ શરૂ કરવામાં મોડું થતું જશે. કોઈ એકને લઇ લો, પણ રામાનંદ સાગર માન્યા નહીં.

રાક્ષસ રાવણ નહીં, ‘ભક્ત રાવણ’ની હતી જરૂર

રામાનંદ સાગરે મોતી સાગરને કહ્યું, સિરિયલ માટે મારે ઉતાવળ નથી કરવી. મારે રાક્ષસ જેવા દેખાતા કે તેના જેવો અભિનય કરનારા રાવણની જરૂર નથી. મારે જરૂર છે, શિવભક્ત રાવણની. મારે રાવણને ભક્ત દર્શાવવો છે. રામાનંદ સાગરે આ માટે ઘણી ફિલ્મો અને આર્ટ ફિલ્મો જોઈ. એમાં તેમને ગુજરાતી ‘કુંવરબાઈનું મામેરું’ ફિલ્મ પણ જોઈ. આ ફિલ્મ જોઈને તેમણે અરવિંદ ત્રિવેદીનો સંપર્ક કર્યો. અરવિંદભાઈનું ઓડિશન લેવાયું. ઓડિશન ચાલુ હતું ત્યાં જ રામાનંદ સાગર ઊભા થઈને બોલ્યા, મુજે મિલ ગયા મેરા રાવણ…

સિરિયલમાં રાવણ મરાયો તો દેશ રડ્યો હતો
રામાયણ સિરિયલમાં દારાસિંહ હનુમાન હતા, અરુણ ગોવિલ રામ અને દીપિકા ચીખલિયા સીતાનું કિરદાર નિભાવતાં હતાં. આ અને આ સિવાયના તમામ કિરદારોમાં લોકોએ સૌથી વધારે રાવણના કિરદારને પસંદ કર્યા હતા, કારણ કે અરવિંદભાઈએ આ પાત્ર ભજવીને રાવણને ગરિમા અપાવી હતી. રાવણના પાત્રની લોકપ્રિયતા જબરદસ્ત બની હતી. ત્યાં સુધી કે જયારે રામાયણ સિરિયલ સમાપન તરફ હતી અને રાવણ વધનો એપિસોડ આવ્યો ત્યારે દેશભરના કરોડો દર્શકોમાં રીતસરનો સોપો પડી ગયો હતો. રાવણનો વધ થયો ત્યારે આખો દેશ રડ્યો હતો. આ પણ ટીવી જગતમાં ઇતિહાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *