ભાજપના વધુ એક સીએમએ રાજીનામું આપ્યું છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધુ છે. નોંધનિય છે કે રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા એમ જ ચહેરો બદલવાનો દાવ નથી રમ્યો. ગુજરાતમાંથી પીએમ મોદી અને અમિત શાહના ગયા બાદ ભાજપ થોડી નબળી પડી છે. જેની અસર અન્ય રાજ્યો પર પણ પડી શકે છે જે સારા સંકેત નથી. રૂપાણીને હટાવવા પાછળ ઘણા કારણો હોય શકે છે.
વિજય રૂપાણીના નેતૃત્વમાં આગામી ચૂંટણી લડવાથી પાર્ટીને એન્ટી-ઇન્કમ્બન્સીની ચિંતા છે. 2012 બાદ 2017 જે રીતે ભાજપનું પ્રદર્શન નીચે આવ્યું તેનાથી પાર્ટીના ચિંતા વધી છે. નોંધનિય છે કે હાલમાં ગુજરાતમાં ભાજપ માટે માત્ર કોંગ્રેસ પડકાર નથી પણ આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં પોતાના પગ ફેલાવી રહી છે. આ વર્ષે થયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં સુરતમાં AAPએ સારૂ પ્રદર્શન કર્યું હતું.
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182 સીટોમાંથી 99 સીટો જીતી હતી. પરંતુ ચિતાની વાત એ પણ હતી કે કોંગ્રેસે 1995 બાદ પહેલીવાર 2017માં 77 સીટો જીતી હતી. 2019માં લોકસભા ચૂંટણી બાદ તુરંત જ થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસે 3 બેઠક જીતીને ભાજપની ચિંતા વધારી દીધી હતી.
2022ની વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપ માટે ઘણા અન્ય પક્ષો પડકારો ઉભા કરી શકે છે. જેમાં કોંગ્રેસ અને APPની સાથે સાથે TMC પણ ગુજરાતમાં જંપલાવી શકે છે. આ ઉપરાંત અસદુદ્દીન ઓવૈશીની પાર્ટી AIMIM પણ ટક્કર આપી શકે છે. તો બીજી તરફ ભાજપે જન આશીર્વાદ યાત્રા દ્વારા ઘણા રાજ્યોમાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે.
રાજ્યમાં કોરોના મહામારી સમયે સરકારની કામગીરી અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ રુપાલાએ રાજ્યમાં જન આશિર્વાદ યાત્રા શરૂ કરી હતી. બન્નેએ પાટીદાર સમુદાયને આકર્ષવાની કોશીશ કરી હતી. નોંધનિય છે કે 2017માં પાટીદાર આંદોલનના કારણે ભાજપને ઘણુ નુકશાન થયું હતું. ગુજરાતમાં આવતા વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય શકે છે.