ભગવાન ગણેશને તમે બુંદીના લાડુ, મોદક તો પ્રસાદ જેમ ધરાવો છો. પરંતુ આજે અમે તમારા માટે એક અલગ રેસીપિ લઇને આવ્યા છીએ. જેને તમે ભગવાન ગણેશને પ્રસાદ તરીકે ધરાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મગની દાળનો શીરો. તે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલો હોય છે.
સામગ્રી
1/2 કપ – મગની દાળ
1/2 કપ – ઘી
1/2 કપ – માવો
1 કપ – ખાંડ
20 નંગ – કાજૂ
4-5 નંગ – એલચીનો પાવડર
5 નંગ – બદામ
બનાવવાની રીત
સૌ પ્રથમ મગની દાળને ધોઈને 4-5 કલાક પલાળી રાખો. પલાળેલી દાળને નિતારી લો અને તેને મિક્સરમાં ઝીણી પીસી લો. કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ક્રશ કરેલી દાળ ઉમેરી ધીમા તાપે શેકો. શેકતી વખતે દાળને હલાવતા રહેવુ. 20-25 મિનીટમાં તે શેકાઈ જશે. શેકાયેલી દાળ કડાઈ સાથે ચોંટતી નથી અને ઘીથી અલગ દેખાવા લાગે છે. એટલે શેકાયેલી દાળને ગેસ પરથી ઉતારી સાઈડમાં મુકી દો. ત્યાર પછી કડાઈમાં માવો ધીમા તાપે શેકી લો. તેને શેકેલી દાળ સાથે મિક્સ કરી લો. એક વાસણમાં ખાંડ જેટલું જ પાણી મિક્સ કરી તેને ગેસ પર રાખો. પાણી ઉકળી જાય પછી તેને બીજી 2-3 મિનીટ સુધી ઉકળવા દો. ચાસણી તૈયાર છે. દાળમાં આ ચાસણી મિક્સ કરો. કાજુ અને બદામ પણ ઉમેરો. હવે દાળને ગેસ પર ધીમા તાપે સીજવા મુકો. દાળમાંથી પાણી બળી જાય અને લચકા પડતું મિશ્રણ રહેશે. તૈયાર છે મગની દાળનો શીરો. તેમાં એલચી પાઉડર મિક્સ કરી દો. બદામની કતરણથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ પીરસો.