વિશ્વની સૌથી મોટી સોશ્યલ મીડિયા કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગની સુરક્ષા પર પણ કંપની કરોડો રૂપિયા ખર્ચ કરે છે. એક નવા અહેવાલમાં આ વાત સામે આવી છે. 2020માં ફેસબુકે કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગની સુરક્ષા પર 2.3 કરોડ ડોલર એટલે કે લગભગ 171 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. જો તમે તેને દૈનિક ધોરણે જુઓ તો ઝુકરબર્ગની સુરક્ષા માટે દરરોજ લગભગ 46 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. સિક્યુરિટી એન્ડ એક્સચેંજ કમિશનને ફેસબુકે આ માહિતી આપી છે.
ક્યાં અને કેટલો ખર્ચ થયો?
વર્ષ 2020માં માર્ક ઝુકરબર્ગે સલામતી પાછળ 171 કરોડ ખર્ચ કર્યા હતા, જેમાંથી 99 કરોડ તેના ઘર અને વ્યક્તિગત સુરક્ષા પર ખર્ચ કરવામાં આવ્યા હતા અને બાકીના 72 કરોડ જેટલા વધારાના સુરક્ષા પર ખર્ચ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રી ટેક્સ એલાઉન્સ પણ સામેલ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ઝકરબર્ગના સુરક્ષા ખર્ચમાં વધારો ખાસ કરીને કોવિડ-19 ટ્રાવેલ પ્રોટોકોલ અને યુ.એસ. ચૂંટણી દરમિયાન સુરક્ષા કવરેજમાં વધારાના કારણે થયો છે.
આ ખર્ચ અંગે કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, સીઈઓ પરનો આ ખર્ચ જરૂરિયાત અને સમય અનુસાર ન્યાયી છે. ઝુકરબર્ગ વાર્ષિક પગાર તરીકે માત્ર 1 ડોલર લે છે. તેમને કોઈ બોનસ, ઇક્વિટી એવોર્ડ અથવા અન્ય ભથ્થા મળતા નથી.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં ફેસબુકના 533 મિલિયન એટલે કે અંદાજે 53.30 કરોડ યુઝર્સનો ખાનગી ડેટા હેકર્સ ફોરમ પર લીક થયાના અહેવાલ છે. આ ડેટા લીકમાં લગભગ 106 દેશોના વપરાશકર્તાઓનો ડેટા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફેસબુકના ઇતિહાસમાં આ સૌથી મોટો ડેટા લીક છે. તમામ ડેટા ઓનલાઇન અને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
આ ડેટા લીકમાં 106 દેશોના ફેસબુક યુઝર્સના ડેટા સામેલ છે, જેમાં યુ.એસ.ના 32 મિલિયન ડેટા, યુકેના 11 મિલિયન યુઝર્સ અને 6 મિલિયન ભારતીય યુઝર્સનો સમાવેશ છે. લીક થયેલા ડેટામાં ફેસબુક વપરાશકર્તાઓની જન્મ તારીખ, સંપૂર્ણ નામ, બાયો, લોકેશન અને ઇ-મેઇલ વગેરે સામેલ છે. ઘણા વપરાશકર્તાઓના ફોન નંબર પણ લીક થયા છે.