બેંકમાં નોકરી કરતી પરિણીતાને ગ્રાહક સાથે પ્રેમ થયો, સચિવાલયમાં નોકરીના નામે છેતરાઈ

GUJARAT

અમદાવાદઃ શહેરના નવાવાડજ વિસ્તારમાં રહેતી પરિણીતાને બેંકના ખાતા ધારક સાથે પ્રેમ થઈ ગયો હતો. મિનિમમ બેલેન્સ બાબતે પરિણિતાએ બેંકના ગ્રાહકને ફોન કર્યો હતો અને આ પછી તેમની વચ્ચે પ્રેમ માંગરી ગયો હતો. પ્રેમ થયા બાદ પરિણીતાના પ્રેમી તથા તેના મિત્રએ સચિવાલયમાં નોકરી અપાવવાની વાત કરીને તેની પાસેથી 1.12 લાખ રૂપિયા પડાવ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા પરિણીતાએ જ્યારે રૂપિયા પાછા માગ્યા તો તેના પ્રેમીએ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. આ પછી પરિણીતાએ તેના પ્રેમી અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

નવાવાડજની 32 વર્ષની કાજલ (નામ બદલવામાં આવ્યું છે) ખાનગી બેંકમાં નોકરી કરે છે અને આ પહેલા તેઓ અન્ય બેંકની બ્રાન્ચમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા હતા, આ દરમિયાન તેમની ઓળખ પ્રકાશ મેવાડા નામના ખાતા ધારક સાથે થઈ હતી. ખાતામાં મિનિમમ બેલેન્સ ના હોવાની વાતે જાણ કર્યા બાદ બન્ને વચ્ચે મેસેજથી વાતો શરુ થઈ હતી, આ પછી પ્રકાશ અને પાયલ અવારનવાર બેંકના કામને લઈને વાતો કરતા હતા.

પાછલા વર્ષે લોકડાઉનના લીધે કાજલ તેના પતિ સાથે પાટણ રહેવા માટે જતી રહી હતી, જોકે, બન્ને એક બીજા સાથે બેંકના કામના બહાને વાતો કરતા રહેતા હતા. એક દિવસ પ્રકાશે કાજલને પ્રેમ બાબતે વાત કરી તો મહિલાએ પોતે પરિણીત હોવાની વાત કરીને હવે પછી ફોન કે મેસેજ નહીં કરવા માટે જણાવ્યું હતું. જોકે, કાજલે પોતાને પ્રેગનેન્સીમાં પ્રોબલેમ આવતા પ્રકાશને વાત કરી હતી, જે બાદ પ્રકાશે ચેહર માતાની માનતા રાખવાની વાત કરીને ડાહી-ડાહી વાતો કરી હતી, આ પછી પરિણીતાએ ફરી પ્રકાશ સાથે વાતો શરુ કરી હતી.

જોકે, એક દિવસ પ્રકાશે પોતાને ઈજા પહોંચાડીને વોટ્સએપ પર ફોટો શેર કરતા કાજલ તેની પ્રેમ જાળમાં ફસાઈ ગઈ હતી. પ્રકાશને કોર્ટ કેસ ચાલતો હોવાથી તેને રૂપિયાની જરુર હોવાથી કાજલે તેને 50,000 રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. આ પછી લોકડાઉન ખૂલી જતા કાજલ પાટણથી અમદાવાદ આવી ગઈ હતી. અમદાવાદ આવેલી કાજલને સચિવાલયમાં સરકારી નોકરી અપાવવાની લાલચે પ્રકાશ તથા તેના શિવમ નામના ફ્રેન્ડે ફોન પર વાત કરીને તેની પાસેથી 7,000 રૂપિયા ટ્રાન્ફર કરાવ્યા હતા.

આ પછી અલગ-અલગ બહાના કાઢીને 1,12,000 રૂપિયા આપ્યા હતા, જોકે, આ પછી નોકરી માટે કુલ 10.75 લાખનો ખર્ચ થયો હોવાનું કહેવાતા કાજલે નોકરી નથી જોઈતી તેમ જણાવી દીધું હતું.

પ્રેમ સંબંધમાં ડખો પડતા પ્રેમીએ કાજલના નામથી નકલી અકાઉન્ટ બનાવીને પરિણીતાના ફોટો ત્યાં અપલોડ કરી દીધા હતા. આ પછી પરિણીતાએ પોતાની સાથે થતા અન્યાયો અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં પ્રકાશ ઉર્ફે ધવલ મેવાડા અને મિત્ર શિવમ મેવાડા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *