બનાસકાંઠાના ધાનેરામાં લાલબત્તી સમાન લૂંટેરી દુલ્હનનો કિસ્સો: 8 લાખનો ચુનો ચોપડ્યો

nation

બનાસકાંઠાના ધાનેરામાં લાલબત્તી સમાન લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દુલ્હન તેની માતા બીમાર હોવાને નામે પરિવારને 8 લાખનો ચુનો ચોપડીને પિયરે જતી રહેતા પરિવારે લૂંટેરી દુલ્હન સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આજ કાલ દીકરીઓની અછતના કારણે અનેક લોકો આંતરજિલ્લા યા આંતર રાજ્યમાંથી દલાલ મારફતે રૂપિયા ખર્ચીને લગ્ન કરતા હોય છે. જો કે તેમાંથી મોટા ભાગના લોકો છેતરાતા હોય છે. જેના અનેક કિસ્સાઓ સામે આવી ગયા છે. અનેક યુવતીઓ લગ્ન બાદ થોડાક દિવસોમાં લાખોનું ફુલેકુ ફેરવી ફરાર થઈ જતી હોય છે. જો કે મોટા ભાગના કેસોમાં ઈજ્જતના બીકે પોલીસ ફરિયાદ પણ થતી નથી. ત્યારે આવો જ એક કિસ્સો ધાનેરાના અંબિકા નગરમાં સામે આવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ધાનેરામાં રહેતા શિવરામ ભાઈ ત્રિવેદીના પુત્ર રાજેશની પત્નીએ છૂટાછેડા લઈ લેતા થોડાક સમય બાદ રાજેશ માટે એક પત્નીની શોધમાં પરિવાર હતો. ત્યારે નજીકના સગા અને રામસણ ગામના વતની હસમુખ ત્રિવેદીએ લગ્ન બાબતે ગોઠવી આપવાની વાત કરી હતી અને પરિવાર સહમત થતા હસમુખે થોડાક દિવસોમાં એક દુલ્હન શોધી પણ આપી હતી. રાજેશના લગ્ન કવિતા નામની છોકરી સાથે ધાનેરાના ચારડા ગામે પૂજારીની હાજરીમાં યોજાયા હતા.

જો કે ત્યારબાદ લગ્ન કરાવનાર રામસણના હસમુખ ત્રિવેદીને પરિવારે હાથ ખર્ચા માટે રૂ.10 હજાર તેમજ લગ્ન પેટે 3 લાખ આપ્યા હોવાનું પરિવાર જણાવી રહ્યું છે. જો કે સમગ્ર લગ્ન પ્રક્રિયા બાદ હસમુખ ત્રિવેદી અને સરોજ મોચી બંને લોકો કવિતાને સાસરીમાં મૂકી ગયા હતા. જો કે લગ્નના થોડાક દિવસ બાદ પત્ની કવિતાને તેની માતા બીમાર હોવાનું કહી હસમુખ અને સરોજબેન કવિતાને સાસરીથી લઈ ગયા હતા. કવિતા સાથે બે અન્ય ઈસમો કવિતાના સાસરિયે આવ્યા અને કવિતાની માતા બીમાર હોઈ ઈલાજ માટે 5 લાખની માગણી કરતા પરિવારે વિશ્વાસમાં આવી સારવાર માટે 5 લાખ આપી દીધા હતા.

જો કે થોડા દિવસો વીતવા છતાં કવિતા પરત સાસરિયે ન આવતા થોડાક દિવસો બાદ પતિએ કવિતાને ફોન કર્યો તો કવિતા અવાર નવાર “આવી જઈશ” “આવી જઈશ”ના જવાબ આપતી રહી હતી, પરંતુ ઘણા દિવસો વીતવા છતાં કવિતા પરત આવી નહીં. જેને લઈ પરિવારને કવિતા છેતરપિંડી કરી ગઈ હોવાનો અહેસાસ થતા યુવકની માતા શારદાબેન ત્રિવેદીએ ધાનેરા પોલીસ મથકે પહોંચી લૂંટારી દુલ્હન કવિતા પ્રકાશભાઇ કોનગારી તેમજ લગ્ન કરાવનાર રામસણના હસમુખ ત્રિવેદી અને સરોજ મોચી સામે ફરિયાદ નોંધાવતા ધાનેરા પોલીસે પરિવારની ફરિયાદને આધારે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *