અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી, જાણો ક્યાં ખાબકશે મેઘો

GUJARAT

ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ વરસાદ, વલસાડ,પારડીમાં 4-4 ઈંચ વરસાદ, ખેરગામ, કપરાડા, મહુવામાં સાડા 3 ઈંચ, પલસાણા, વાપી, નવસારી, ચીખલીમાં 3-3 ઈંચ વરસાદ ખાબક્યો છે. હજુ દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ગુરુવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ, ગુરુવાર સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના 28 તાલુકામાં 1થી 3 ઈંચ વરસાદ

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા અને સતત ઠંડો પવન ફૂંકાયો હતો. રાજ્યના કુલ 118 તાલુકામાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો હતો.

29 તાલુકામાં અડધાથી પોણા ઈંચ જેટલો વરસાદ

વાતાવરણમાં આવેલા પલટાના કારણે આજે રાજ્યના અનેક સ્થળો હિલ સ્ટેશનમાં ફેરવાઈ ચૂક્યાં હતા. દિવસ દરમિયાન આઠ તાલુકામા 1થી સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સુરતના ઉમરપાડા તાલુકામાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સિવાય અમરેલીના ખાંભા, ગીર સોમનાથના ઉના અને સુરતના કામરેજ ભરૂચ, ડાંગ, બારડોલી, નાંદોડ અને સુરત સિટી્માં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 29 તાલુકામાં અડધાથી પોણા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

વિવિધ તાલુકાઓમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસ્યો

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં જબરદસ્ત પલટો આવતા, શિયાળામાં ચોમાસાનો માહોલ સર્જાયો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે જોકે, કમોસમી વરસાદના ઝાપટાંઓ જ પડયા હતા. ડાંગ જિલ્લામાં પણ ગિરિમથક સાપુતારા સહિત અમુક ગામડાંઓમાં કમોસમી વરસાદ પડયો હતો. સવારથી જ સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, કડોદરા, મહુવા, ઉમરપાડા, માંગરોળ સહિત વિવિધ તાલુકાઓમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ખેડૂતના ખરીફ્ પાકને નુકસાનની ભીતિ

નવસારી જિલ્લામા નિહિવત વરસાદ પડયો છે. ખેરગામ, ચીખલી, ગણદેવી, નવસારી, જલાલપોર અને વાંસદા તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. સમગ્ર ચરોતરમાં વરસાદી માહોલ છવાયો હતો. આણંદ જિલ્લાના આઠેય તાલુકામાં ખંભાતને બાદ કરતા ઝરમર વરસાદ નોંધાયો હતો. ખેડાના કપડવંજ, ખેડામાં, ઠાસરા, નડિયાદ, માતરને ગળતેશ્વર ઝાપટા પડયાં હતા. અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં હળવું ઝાપટું પડયું હતુ. આ ઉપરાંત જિલ્લાના મોડાસા સહિતના અન્ય વિસ્તારોમાં પણ માવઠું થયાના અહેવાલ છે. બોટાદ જિલ્લામાં ઝરમર વરસાદથી ખેડૂતના ખરીફ્ પાકને નુકસાનની ભીતિ સર્જાઇ છે.

દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાઓમાં આજે ભારે વરસાદની વકી

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી હતી. પરંતુ એ પ્રમાણમાં વરસાદ ન થતાં ખેડૂતોની મુશ્કેલી થોડી ઓછી થઈ છે. પરંતુ હજુ દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ગુરુવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ, ગુરુવાર સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *