અરબી સમુદ્રમાં હવાનું ચક્રવાત: ગુજરાતમાં ત્રણ દિવસ વિજ કડાકા સાથે પવન રહેશે

GUJARAT

અરબી સમુદ્રમાં પૂર્વ મધ્ય વિસ્તારમાં એક અપર એર સાઈકલોનિક સરક્યુલેશન સર્જાતા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વિજળીના કડાકાં સાથે ભારે પવન ફૂંકાવાની શકયતા છે. હવામાન વિભાગના મતે હવાનું ચક્રવાત સમુદ્રની સપાટીથી 4.5 કિલો મીટરના સ્તરે છવાયેલું છે. આ સિસ્ટમને કારણે કોંકણ અને ગોવા તેમજ મહારાષ્ટ્રના તટીય વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાત પંથકમાં પણ વિજળીના કડાકાં સાથે ભારે પવન છવાયેલો રહેવાની શકયતા છે.

આ સિસ્ટમની અસરને પગલે આજે મોંડી સાંજે શહેરના વાતાવરણમાં એકાએક પલ્ટો આવવાની સાથે હળવો વરસાદ નોંધાયો હતો. આ પ્રકારનું વાતાવરણ આગામી તા. 11મી સુધી રહેવાની શકયતા છે. મહત્વનું છે કે, આજે બપોર સુધી શહેરમાં ભારે ઉકળાટ અને બફારો છવાયેલો રહ્યો હતો.

પરંતુ સાંજે એકાએક વાતાવરણમાં બદલાવ થતાં ઠંડા પવન શરૂ થયા હતા. બીજી તરફ આજે શહેરનું તાપમાન ગુરૂવાર તા. 7મીના 36.0 ડિગ્રીથી ધટીને 33.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જયારે રાત્રિનું તાપમાન 27.5 ડિગ્રી યથાવત રહ્યું હતું. આજે પવનની દિશા પણ બદલાઈને દક્ષિણ પૂર્વની પ્રતિ કલાક ચાર કિલો મીટરની ઝડપની નોંદાઈ હતી.

અગાઉ જ હવામાન વિભાગે દરિયામાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. ગાજવીજ સાથે 30-40 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, હજી પણ આગામી 3 દિવસ વરસાદ આવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ખેલૈયાઓની મજા બગડે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *