અમરેલીમાં રચાયો ઈતિહાસ: પ્રથમ વખત ડ્રોનથી ખેતરમાં ખાતરનો છંટકાવ, સમગ્ર વિશ્વ માટે અનોખો પ્રયોગ

GUJARAT

ઈફ્કો દ્વારા વિશ્વમાં સૌ પ્રથમ વખત જ નેનો યુરીયા ખાતરની શોધ કરવામાં આવી છે. મોટી ગુણમાં સમાય તેટલું ખાતર એક નાનકડી બોટલમાં જ સમાઈ જાય છે. આ ખાતર પ્રવાહી છે. અમરેલી ખાતે પ્રથમ વખત જ ખેતરમાં ડ્રોનની મદદથી યુરીયા ખાતરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વ માટે આ અનોખો પ્રયોગ છે.

અમરેલીમાં અમર ડેરી ખાતે જિલ્લાની મોટા ભાગની સહકારી સંસ્થાઓનું સહકારી સમ્મેલન યોજાયું હતું. જેમાં ઈફ્કોના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણી અને માર્કેટીંગ મેનેજર પટેલની ઉપસ્થિતિમાં ફાર્મની ઉપર ડ્રોનની મદદથી નેનો ખાતરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં દવાના છંટકાવ માટે આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ થાય છે પણ વિશ્વમાં સૌ-પ્રથમ ભારત દ્વારા ઈફ્કોના માધ્યમથી નેનો ખાતરની શોધ કરવામાં આવી છે. જેનો પ્રથમ જાહેર પ્રયોગ અમરેલીમાં કરવામાં આવ્યો હતો.

નેનો ખાતર આપણી જ શોધ હોવાથી વિશ્વમાં ડ્રોનથી તેનો છંટકાવ હજુ થતો નથી. સંસ્થાના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીએ વિગતો આપતા જણાવ્યું કે, અગાઉ યુરીયા ખાતરની ગુણને વાહનમાં ભરીને લાવવી પડતી હતી અને તેને લાવવાનો ખર્ચ બહુ મોટો હતો. જેટલું ખાતર એક ટ્રકમાં ભરીને લઈ જઈ શકાય તેટલું જ નેનો ખાતર બાઈકમાં લઈ જઈ શકાશે. નેનો ખાતરની એક નાનકડી બોટલ યુરીયા ખાતરની એક ગુણ બરાબર છે.

વિશ્વમાં આ નેનો ખાતરની પ્રથમ શોધ ભારત દ્વારા જ કરવામાં આવી છે અને સહકારી સંસ્થા ઈફ્કો દ્વારા તેનું ઉત્પાદન શરુ કરાયું છે. આ શોધમાં સમગ્ર વિશ્વમાં ક્રાંતિ આવશે. આ ખાતરને જમીનમાં નાખવાનું નથી પણ છોડની ઉપર છંટકાવ કરવાનો છે જે પંપ દ્વારા પણ થઈ શકે છે. તેનો પ્રયોગ અમરેલીમાં કરાયો હતો.આ કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, ભાવના ગોંડલીયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

શું છે નેનો ખાતર અને તેના ફાયદા?

ખાતરની મોટી ગુણના બરાબર ક્ષમતાનું ખાતર એક નાનકડી બોટલમાં આવી જાય છે, ટ્રકમાં ભરીને લઈ જઈ શકાય તેટલું નેનો ખાતર બાઈકમાં જ આવી જતા ટ્રાન્સપોર્ટનો મોટો ખર્ચ ઘટશે, નેનો ખાતર વજનમાં હલકું, ગુણવત્તામાં વધારે અને કિંમતમાં સસ્તુ છે, નેનો ખાતર જમીનમાં નહીં પણ છોડની ઉપર નાખવાનું છે એટલે જમીન બગડશે નહીં કે ખાતરથી થતી બીજી સાઈડ ઈફેક્ટ નિવારી શકાશે.

વિશ્વમાં પ્રથમ વખત જ ભારતમાં નેનો પદ્ધતિથી ખાતર બનાવાયું છે જેનું ઉત્પાદન સહકારી સંસ્થા ઈફ્કો દ્વારા શરુ થયું છે, ડ્રોનની મદદથી પણ ખેતરમાં ખાતરનો છંટકાવ કરી શકાશે જેમાં ખૂબ જ ઓછો સમય લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *