અમેરિકામાં વિમાન દુર્ઘટનામાં ભારતીય મૂળના ડૉક્ટર સહિત બેના મોત

GUJARAT

સોમવારે અમેરિકાના કેલિફોર્નિયામાં વિમાન દુર્ઘટનામાં ભારતીય મૂળના કાર્ડિયોલોજિસ્ટ સહિત બે લોકોના મોત થયા હતા. દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બીજો વ્યક્તિ એક યુપીએસ કાર્યકર હતો જે ઘટના સમયે જમીન પર કામ કરી રહ્યો હતો. દુર્ઘટનાને કારણે, નજીકના મકાનોમાં આગ લાગી, જેના કારણે ઘણું નુકસાન થયું.

પ્રશિક્ષિત પાયલોટ પણ હતા કાર્ડિયોલોજિસ્ટ સુગાતા દાસ

એરિઝોનાના યુમા રિજનલ મેડિકલ સેન્ટર (YRMC) અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત થયેલું બે એન્જિનવાળું સેસના સી 340 વિમાન સંસ્થામાં કાર્યરત ડૉ. સુગાતા દાસનું હતું. તેઓ એક પ્રશિક્ષિત પાઇલટ પણ હતા. એક ટીવી સ્ટેશને જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે ડૉ. સુગાતા દાસ વિમાનના પાયલોટ હતા કે કેમ તેની હજુ પુષ્ટિ થઈ નથી.

YRMCની વેબસાઈટ અનુસાર, કાર્ડિયોલોજિસ્ટ સુગાતા દાસ બંગાળી પરિવારમાં જન્મેલા, અને પુણેમાં ઉછર્યા હતા. તેઓ ‘પાવર ઓફ લવ ફાઉન્ડેશન’ના ડિરેક્ટર પણ હતા. જે એક અમેરિકન NGO છે જે વિદેશમાં એડ્સ અને HIV થી ચેપગ્રસ્ત મહિલાઓ અને બાળકોને મદદ કરે છે. વેબસાઈટ અનુસાર, તેમના બે પુત્રો છે જે સેન ડિએગોમાં રહે છે. ડૉક્ટરે તેમના ઘર અને યુમા વચ્ચે ઉડાન ભરી હતી.

સૈંટી (કેલિફોર્નિયા) નજીક ક્રેશ થયું વિમાન

YRMCના ચીફ મેડિકલ ઓફિસર ભરત માગુએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘સ્થાનિક કાર્ડિયોલોજિસ્ટ સુગાતા દાસના વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની ખબર સાંભળીને અમને ખૂબ દુઃખ થયું છે. આ વિમાન સૈંટી (કેલિફોર્નિયા) નજીક ક્રેશ થયું. તેઓ એક ઉત્તમ કાર્ડિયોલોજિસ્ટ અને પરિવાર માટે સમર્પિત વ્યક્તિ હતા. અમે આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.’

વિમાન દુર્ઘટનાને કારણે બે ઘરો બળીને રાખ

સૈંટીમાં સંતાના હાઇસ્કૂલ પાસે થેયલ દુર્ઘટનાને પગલે આગમાં બે મકાનો બળીને ખાખ થઇ ગયા હતા. અન્ય પાંચ મકાનો અને ઘણા વાહનોને પણ નુકસાન થયું હતું. જોકે આગ અન્ય મકાનો સુધી ફેલાય તે પહેલા ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લીધી હતી. વિમાનમાં સવાર લોકોની સંખ્યા વિશે હજુ જાણકારી મળી નથી, જણાવી દઈએ કે સેસના સી 340 વિમાનમાં છ મુસાફરો બેસી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *