અમદાવાદની યુવતી દુષ્કર્મ બાદ ગર્ભવતી, આરોપીએ ચેકઅપના બહાને એબોર્શન કરાવ્યું

DHARMIK

અમદાવાદમાં BSCના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી પર બે નરાધમ યુવકોએ જાનથી મારવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવતી પ્રેગનન્ટ થતા આરોપીઓએ ચેકઅપના બહાને બોલાવી ગર્ભપાત કરાવી નાંખ્યો અને તેના મેસેજ વાઈરલ કરી યુવતીને બદનામ કરી હતી. આ યુવકની પિડીતાના પરિવારે પુછપરછ કરતા ઉશ્કેરાયેલા નરાધમે યુવતી, તેના માતા-પિતાને લાકડીથી મારમારી ગંભીર ઈજાઓ કરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ચાંદખેડામાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી કૃણાલ નામના યુવકે વિશ્વાસ કેળવ્યો હતો. યુવતીને વાતચીત કરવાના બહાને હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક આરોપીએ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપીએ તેના મિત્ર વૈભવ પંડીત સાથે મિત્રતા કરવા જણાવ્યું હતું. વૈભવ પંડીતે પણ યુવતીને હોટલમાં લઈ તેની પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

જો કે યુવતી પ્રેગ્નન્ટ હોવાની શંકા જતા આરોપી કૃણાલે ઘરેથી નીકળી જવાની સલાહ આપી હતી. આરોપીની સલાહ મુજબ, યુવતી ઘરેથી ઝઘડો કરી નીકળી પણ કૃણાલે તેનો ફોન ઉપાડયો નહી તેમજ વૈભવને ફોન કરતા પોતે દિલ્હી હોવાનું જણાવીને બહેનપણીના ઘરે રોકાવા જણાવ્યું હતું.

યુવતી તેની મિત્રના ઘરે રહેવા ગઈ હતી. આ દરમિયાન પ્રેગ્નેન્સી કિટથી ચેકઅપ કરતા ગર્ભવતી હોવાની જાણકારી મળી હતી. આથી આરોપી વૈભવ પંડીતે દવા આપી યુવતીનો ગર્ભ પડી જાય તેવી કોશિશ કરી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

આ દરમિયાન કૃણાલ યુવતીનું અસારવામાં આવેલી શારદા ક્લિનિક એન્ડ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું. ગત તા. 4 માર્ચના રોજ યુવતીને ફરી એજ હોસ્પિટલમાં ચેકઅપના બહાને બોલાવી કૃણાલે અંધારામાં રાખી તેનો ગર્ભ પડાવી નાંખ્યો હતો.

યુવતીનું એબોર્શન થયું હોવાના મેસેજ વોટસએપમાં વાઈરલ થયા હતા. આ બાબતની જાણ થતાં માતા-પિતાએ યુવતીને સમજાવી પૂછપરછ કરી હતી. આખરે યુવતીએ તેની સાથે બનેલા સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી. આ અંગે કૃણાલની પૂછપરછ કરતા તે ઉશ્કેરાયો અને લાકડી લઈને યુવતી, તેના માતા-પિતાને મારમારી ગંભીર ઈજાઓ કરી હતી.

આ બનાવને પગલે ચાંદખેડા પોલીસે કૃણાલ અને વૈભવ પંડીત નામના આરોપીઓ સામે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.