અમદાવાદમાં વીજળીના કડાકા સાથે દોઢથી બે ઇંચ વરસાદ, જાણો શહેરના કયા વિસ્તારોમાં મેઘો સાંબેલાધાર વરસ્યો

GUJARAT

જન્માષ્ટમીની સાંજથી મેઘરાજા ફરીથી મહેરબાન થયા છે અને છેલ્લાં ત્રણ દિવસથી હળવાથી ભારે ઝાપટાં વરસવાને પગલે શહેરમાં ઠંડક પ્રસરી છે અને શહેરમાં ‘હિલ સ્ટેશન’ જેવું વાતારવણ જોવા મળી રહ્યું છે. બુધવારે મેઘરાજાએ શહેરને ઘમરોળ્યું હતું અને મોડી સાંજે દોઢથી બે ઇંચ સુધીનો વરસાદ વરસતાં શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા ગયા અને મુખ્ય રસ્તા પર અને રસ્તાની બાજુએ પાણી ભરાયા હતા. પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદને કારણે પુઅર વિઝિબિલિટી કારણે વાહન ચાલકો- ખાસ કરીને ટુ- વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. બુધવારે દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં સાથે સાંજે મૂશળધાર વરસાદ ખાબક્યો હતો.

સાંબેલાધાર વરસાદ વરસતાં શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં સૌથી વધુ ૩૩ મી.મી., ચાંદખેડામાં ૨૬ મી.મી., ટાગોર કન્ટ્રોલમાં ૨૬.૫૦ મીમી., જોધપુરમાં ૧૯ મી.મી., સરખેજમાં ૧૮ મી.મી. અને મણિનગરમાં ૧૫.૫૦ મી.મી. વરસાદ નોંધાયો છે. બુધવારે સાંજે મૂશળધાર વરસાદ ખાબકવાને પગલે શહેરના બોડકદેવ, મેમનગર, ગુરૃકુળ, વસ્ત્રાપુર, વેજલપુર, થલતેજ, નરોડા, સૈજપુર, ઈન્ડિયા કોલોની, બાપુનગર, ખોખરા, વટવા, લાંભા, વગેરે વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

મ્યુનિ. કન્ટ્રોલ દ્વારા શહેરમાં સરેરાશ ૮.૭૦ મી.મી. એટલેકે અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધીમાં શહેરમાં ૨૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

શહેરમાં ઘણાં સમયનો વિરામ લીધા પછી અમદાવાદમાં મેઘ મહેર જોવા મળી છે. જન્માષ્ટમીના રોજ સોમવારે સાંજથી ફરીથી મેઘરાજાની ધમાકેદાર પધરામણી થવાને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાતાં અસહ્ય ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત શહેરીજનોએ રાહતનો દમ લીધો છે.

મંગળવારે રાત્રે ઝરમર વરસાદ વરસવા સાથે બુધવારે દિવસ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા. બુધવારે સાંજે મૂશળધાર વરસાદને પગલે શહેરના મોટાભાગના વિસ્તારમાં રસ્તાની બાજુએ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

છેલ્લાં કેટલાંક સમયથી વરસાદે રિસામણાં લીધા હોવાને કારણે દુષ્કાળના ડાકલાં વાગી રહ્યા હતા. જોકે, બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાવાને પરિણામે અમદાવાદ સહિત ગુજરાતમાં મેહુલિયાની અમી દ્રષ્ટિ થઈ છે.

છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને તેના પરિણામે શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે. હજુ શહેરમાં જરૃર કરતાં ઓછો વરસાદ વરસ્યો છે અને લગભગ ૧૦ ઇંચ જેટલા વરસાદની ઘટ હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *