અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો મોકૂફ છતાં ભક્તોનો ધસારો, વાહન વ્યવહાર બંધ કરાયો

GUJARAT

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ પ્રસિદ્ધ અંબાજી મંદિરામાં આ વર્ષે કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. આમ છતાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં માતાના દર્શન કરવા પહોંચી રહ્યાં છે. જેના કારણે તકેદારીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રએ મહત્ત્વનો નિર્ણય લીધો છે.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં મુજબ, દાતાથી અંબાજી અને હડાદથી અંબાજીને જોડતા માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રાખવામાં આવ્યો હોવા છતાં દર્શનાર્થીઓના ધસારાને જોતા વહીવટી તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરવાનો નિર્ણય ચર્ચાસ્પદ બન્યો છે.

જિલ્લા એસપીના જણાવ્યા પ્રમાણે, દર વર્ષે ભાદરવા મહિનામાં અંબાજીમાં યોજાતો લોક મેળો રદ્દ કરવામાં આવ્યો છે. જો કે માઈ ભક્તો માટે મંદિરને ખુલ્લુ રાખવામાં આવતા પગપાળા યાત્રિકો દર્શન માટે આવી રહ્યા છે.

અજાણ્યા વાહનની ટક્કરે પગપાળા સંઘમાં જતા 3 ભક્તોના મોત
ભાદરવી પૂનમ માટે માઈભક્તો પગપાળા અંબાજી પહોંચી રહ્યાં છે, ત્યારે આજે અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ ભક્તોના મોત નીપજ્યાં છે. જેમાં પગપાળા અંબાજી પહોંચી રહેલા ભક્તોને રાણપુર નજીક કોઈ અજાણ્યા વાહને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં એક મહિલા સહિત 3 જણા મોતને ભેટ્યા છે. આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસે આગળની તપાસ હાથ ધરી ફરાર થઈ ગયેલા વાહન ચાલકનો શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *