હું અને મારો પ્રેમી અલગ અલગ શહેરમાં રહીએ છીએ અને અમે ત્રણે ચાર મહિને મળીએ છીએ. અને તે સમયે પાંચ-છ કલાક સાથે રહીએ છીએ અને ત્રણથી ચાર વાર સમાગમ કરીએ છીએ. અમારી સમસ્યા એ છે કે અમને કોન્ડોમનો વપરાશ ગમતો નથી. કારણ કે, મને ઘણું દુ:ખે છે. તો શું હું ૭૨ કલાકની અંદર ગળવામાં આવતી ગોળી વાપરી શકું છું?
– એક યુવતી (અમદાવાદ)
* આ ગોળી ગર્ભથી બચાવે છે પરંતુ દર વખતે ગર્ભ નિરોધક ગોળી તરીકે તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી. હજુ તમે અપરિણીત છો આથી તમારે કોન્ડોમ વગર સંભોગ કરવાનું જોખમ લેવું જોઈએ નહીં. શક્ય હોય તો કોઈ નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ તેમણે સૂચવેલી પધ્ધતિનો વપરાશ કરો.
હું ૧૮ વરસની છું. છેલ્લા દોઢ વરસથી હું મારી સાથે ભણતા એક છોકરાના પ્રેમમાં છું. અમે ભાગ્યે જ મળીએ છીએ. તેને એન્જિનિયર બનવું છે અને તેણે મને ઘણાં કાર્ડ અને પત્રો મોકલ્યા હતા. મેં તેને મારો ફોટો મોકલ્યો હતો. પરંતુ તેણે મને તેનો ફોટો મોકલ્યો નથી. અચાનક જ તેણે મારી સાથે સંપર્ક તોડી નાખ્યો છે. આનું કારણ હું જાણતી નથી પરંતુ હું તેને ઘણો પ્રેમ કરું છું. તેને છોડવા માગતી નથી.
– એક યુવતી (વલસાડ)
* તેને ભૂલી જાવ આ વાત જરા અઘરી લાગશે પરંતુ અસંભવ નથી. તેનો વર્તાવ સૂચવે છે કે હવે તેને તમારામાં રસ નથી. હજું તમે ૧૮ વરસના જ છો. તમારી સામે આખી જિંદગી પડી છે. અને ભવિષ્યમાં તમને કોઈ સારા છોકરાનો ભેટો જરૂર થશે. ધીરજ ધરો અને યોગ્ય સમયની રાહ જુઓ.
હું ૨૪ વર્ષની છું. ૨૬ વર્ષના એક યુવક સાથે મને પ્રેમ છે. અમારો ધર્મ અલગ હોવાથી તેના ઘરવાળા અમારા સંબંધ માટે તૈયાર નથી. છ વર્ષ પૂર્વે પણ હું એના પ્રેમમાં હતી પરંતુ તે સમયે તેને બીજી છોકરીમાં રસ હોવાથી અમે છૂટા પડી ગયા હતા. હવે એ મને કહે છે કે તે મને ભૂલી શકતો નથી. પરંતુ એક વર્ષ પછી પણ લગ્નનો વિષય કાઢતો નથી. શું એ મારો ગેરલાભ લઈ રહ્યો છે? શું એ મારી સાથે લગ્ન કરશે?
– એક યુવતી (મુંબઈ)
* તમારા પ્રેમનો ગ્રાફ જોતા આ છોકરો તમારી બાબતે ગંભીર હોય એમ લાગતું નથી તે તમારી સાથે લગ્ન કરશે કે નહીં એ તો એ પોતે જ જાણે. કોઈના મનની વાતનો તાગ મેળવવો મુશ્કેલ છે. પરંતુ પ્રેમની બાબતે તેની ચંચળ વૃત્તિ જોતા તમે એને ભૂલી તમારે રસ્તે આગળ વધો એમા જ તમારી ભલાઈ છે. કોઈ સારો છોકરો શોધી લગ્ન કરી સુખી ગૃહસ્થી જીવન વિતાવો.