‘આમ જ વરસાદ પડશે તો દશેરાએ રાવણને બાળવાને બદલે ડુબાડવો પડશે’

GUJARAT

શ્રાવણ માસમાં રિસામણાં બાદ ભાદરવામાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પૂરની સાથે જ છેલ્લા એક અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ, ડેમમાં પાણીના ઇનફ્લોને લઇને તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે.

એવામાં અસ્સલ મિજાજ સાથે સોશિયલ મીડિયામાં ફોટા, વિવિધ રમૂજી મેસેજનું ઘોડાપૂર આવ્યું હતું. તે સાથે જ છેલ્લા અઠવાડિયાથી સતત વરસાદ પડી રહ્યો હોય ‘આમ જ વરસાદ પડશે તો દશેરાએ રાવણને બાળવાને બદલે ડુબાડવો પડશે’, ‘સુની સુની હતી નદીયું ને હૈયે લાગ્યા’તા તીર, આખું ચોમાસું કેવું કોરું ગયું ને ભાદરવે આવ્યાં નીર’ જેવા રમૂજી મેસેજ વહેતા થયા હતા.

સામાન્યપણે શહેર, રાજ્ય, દેશ-દુનિયામાં ચાલતી ગતિવિધિ, વિવિધ હિલચાલની સીધી અસર સોશિયલ મીડિયામાં જોવા મળે છે. એવામાં બુધવારે દિવસભર સુરતવાસીઓના સોશિયલ મીડિયામાં વરસાદ અને પાણીની જ ચર્ચા ચાલી હતી. જોકે, તેમાં આ વેળાએ ઠેરઠેર વરસાદની સાથે ભજિયા પાર્ટીના મેસેજ ઓછા અને ઉકાઇમાંથી છોડાઇ રહેલા પાણીની ચિંતા વધુ હોય એવું દેખાયું હતું.

લોકોએ સવારથી જ તાપી નદીની સ્થિતિ, વિયર કમ કોઝવેની સ્થિતિ, ઉકાઇ ડેમની દરેક બે કલાકની સ્થિતિના મેસેજ મિત્રો, પરિવારજનો, મિત્રોને મોકલ્યા હતા. વિવિધ વોટ્સએપ ગ્રૂપમાં પણ આ પ્રકારના મેસેજ ફરતા થયા હતા. તે સાથે જ વરસાદ, તેજ પવનની આગાહી, નીચાણવાળા વિસ્તારમાં લોકોએ રાખવાની તકેદારી, પાલિકા તંત્રની વિવિધ સૂચનાઓ અંગેના મેસેજનો મારો જોવા મળ્યો હતો. જ્યારે દશેરાએ રાવણદહન અંગેના કેટલાક મેસેજે રમૂજની લહેર ફેલાવી હતી.

‘સુરત જેવું ચોમાસું ક્યાંય નહી’ જેવી કવિતાની ચર્ચા

સામાન્યપણે ચોમાસાની શરૂઆતના દિવસોમાં વરસાદ, ખાણીપીણીના મેસેજ જોવા મળે છે, પરંતુ તે સામે હાલમાં સિઝનના અંતિમ દિવસોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હોય સુરતવાસીઓએ ફરીવાર સુરતની જાણીતી વાનગીઓને યાદ કરવાની સાથે જ મેસેજ ફરતા કર્યા હતા.

એક મેસેજમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે, ‘સુરત જેવું ચોમાસું ક્યાંય નહીં મળે, રૂમઝૂમ વહેતી તાપી ક્યાંય નહીં મળે, સમોસાને સરસીયા ખાજા ક્યાંય નહીં મળે, લોચો ને રતાળું પૂરીની જ્યાફત ક્યાંય નહીં મળે, ટામેટા ભજિયા બટાકાપૂરી ક્યાંય નહીં મળે, આદુ-ફુદીનાની ચાય ને ફરમાસું બિસ્કિટ ક્યાંય નહીં મળે, ગરમ ગરમ મેથીના ગોટાને ફેન્ટાસ્ટિક ફાફડા ક્યાંય નહીં મળે, દેશમાં ભલે હોય ચોમાસું પણ સુરત જેવું ચોમાસું ક્યાંય નહીં મળે.’ કવિતાએ ચર્ચા જગાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *