અદાણી ગ્રૂપની કોમોડિટી કંપની અદાણી વિલ્મરના શેરમાં મંગળવારે ફરી એકવાર ઉપલી સર્કિટ લાગી હતી. BSE પર કંપનીના શેરનો ભાવ 5 ટકા વધીને રૂ.802.80 થયો હતો. આ શેરનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. તેની સાથે જ કંપનીની માર્કેટ કેપ 1,04,299.21 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. આ રીતે અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ એક લાખ કરોડ રૂપિયાને વટાવી ગઇ છે.
ઈન્ડોનેશિયાના પગલાથી રોકાણકારોને ફાયદો
ઈન્ડોનેશિયા દ્વારા પામ ઓઈલની નિકાસ પર પ્રતિબંધના સમાચાર સામે આવ્યા બાદ સોમવારે પણ આ શેરમાં અપર સર્કિટ લાગી હતી. સોમવારે ટ્રેડિંગ દરમિયાન આ શેર 764.6 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. સોમવારે કંપનીની માર્કેટ કેપ 99,373.43 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયાએ સ્થાનિક સ્તરે ખાદ્ય તેલના ભાવને નિયંત્રિત કરવા પામ તેલની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આનાથી ભારતની મુસીબતોમાં વધારો થયો છે કારણ કે અહીં ખાદ્યતેલના ભાવ પહેલેથી જ ખૂબ ઊંચા છે.
બીજી તરફ પામ ઓઈલ માટે ઈન્ડોનેશિયા પર ભારતની નિર્ભરતા ઘણી વધારે છે. ઇન્ડોનેશિયા વિશ્વમાં પામ તેલનું સૌથી મોટું ઉત્પાદક છે.
એક મહિનામાં શેર 90% ઉછળ્યો
આ શેરમાં માત્ર એક મહિનામાં 90 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. કંપનીએ આ વર્ષે 8 ફેબ્રુઆરીએ બજારમાં પ્રવેશ કર્યો હતો. અદાણી ગ્રૂપની આ કંપનીનો શેર તેની ઈશ્યૂ કિંમતથી લગભગ 3.91 ટકા ડિસ્કાઉન્ટ સાથે રૂ.221ના સ્તરે BSE પર લિસ્ટ થઇ હતી.
અદાણી વિલ્મર ફોર્ચ્યુન બ્રાન્ડ નામ હેઠળ સૂર્યમુખી તેલ, સોયાબીન તેલ, સરસવનું તેલ, કપાસ-બીજનું તેલ અને ચોખાનું તેલ વેચે છે.