આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં રેલમછેલ

GUJARAT

રાજ્યમાં ગણેશ મહોત્સવની શરૂઆત સાથે જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની સંભાવના સેવવામાં આવી છે. આ સિવાય મહેસાણા, પાટણ જિલ્લો, ગાંધીનગર, મહિસાગર, સુરેન્દ્રનગર, મોરબી, સુરત, તાપી અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમને પગલે ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય-દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

કયા કયા વિસ્તારોમાં આગાહી

આગામી 5 દિવસ સુધીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે મહેસાણા, પાટણ જિલ્લો, ગાંધીનગર, મહિસાગર, સુરેન્દ્રનગર, મોરબી, સુરત, તાપી અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 59 ટકા જેટલો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 31 જિલ્લાઓના 183 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો વડોદરામાં સૌથી વધુ 3.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 11 જેટલા તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં સીઝનનો 61 ટકા, ઉત્તર ગુજરાતમાં 51 ટકા, મધ્ય ગુજરાતમાં 50 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 64 ટકા જેટલો વરસાદ પડ્યો છે.

વડોદરાના પાદરામાં 4 ઈંચ અને વાઘોડિયામાં પોણો ઈંચ વરસાદ પડયો

ગણેશ મહોત્સવની શરૂઆત સાથે જ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી મારી હતી અને 16 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે સૂસવાટા પવન સાથે ધમાકેદાર પધરામણી થઈ હતી. રાતે ગણતરીના બે કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતા. જે સાથે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હજૂ આગામી બે દિવસ ભારે વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરેલી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. રાતના 10 કલાક સુધીના વરસાદની વાત કરીએ તો પાદરા પંથકમાં ચાર ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે વાઘોડિયા તાલુકામાં પોણો ઈંચ, સાવલીમાં 5 મિમી અને શિનોરમાં 5 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ડભોઈ અને કરજણ પંથકમાં અમી છાંટણા વરસ્યા હતા.

વડોદરામાં કઈ જગ્યાએ પાણી ભરાયા

નાગરવાડા નવીધરતી, વોર્ડ નં.8ની કચેરી પાસે, નાગરવાડા ત્રણ રસ્તા, માંજલપુર ગામથી મંગલેશ્વર સ્મશાન સુધીના રોડ પર, લાલબાગ બ્રીજ નીચે, કાશીવિશ્વનાથ મંદિરની સામે, ચાર દરવાજા વિસ્તાર, સંતકબિર રોડ, બહૂચરાજી રોડ, કારેલીબાગ વુડા સર્કલ પાસે, સમા ગામ પાસે, સમતા મેદાન જવાના રોડ પર, લક્ષ્મીપુરાથી ન્યૂ અલકાપુરી જવાના રોડ પર, ગોત્રી હોસ્પિટલની સામે, ફતેગંજ બ્રીજ નીચે, વાઘોડિયા રોડ મહાવીર હોલ ચાર રસ્તા પાસે, જૂના પાદરા રોડ મનિષા ચોકડી પાસે, કલાલી બ્રીજ નીચે, મકરપુરા હજીરાથી દંતેશ્વર રોડ પર, તરસાલી બાયપાસ પર, જામ્બુવા ગામ જવાના રોડ પર, દાંડિયા બજાર રોડ પર, ગોત્રી તળાવથી ભેલ ટાઉનશીપ તરફના રોડ પર, વોર્ડ નં.11ની કચેરી પાસે, જૂની પ્રીયા સિનેમાથી અક્ષર પેવેલિયન થઈને નિલાંબર સર્કલ તરફના રોડ પર તેમજ અન્ય જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જોકે, બાદમાં પાણી ઉતરવા લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.