લગ્ન પહેલાંનો રાજકુમાર જેવો પતિ આજે મને ગમતો જ નથી, કોની પાસે જાઉ તો મારા અરમાનો પૂરા થાય, મારે આનંદ જોઈએ છે

nation

ઇન્દ્રનું ચિરયૌવનનું વરદાન તો હું પર્ણોને આપી શકું તેમ નહોતી, છતાં તેનું નામ મેં કેટકેટલાંય પતનગ્રસ્ત પર્ણો પર અંકિત કરી દીધું હતું. તેની છાયા કેટલાંય પર્ણો પર આલેખી હતી. મંજિલ અંગે તો ખ્યાલ નથી, પરંતુ સફરને રોચક બનાવવાનું તો મારી ક્ષમતાની અંદર હતું અને હું તેમાં રજમાત્ર ઊણી ઊતરવા નહોતી ઇચ્છતી..

લગભગ મધરાત પછી મારી કાર ઇન્દ્રના ઘરની સામે અટકીને ઊભી. શરૂઆતની ચાર-પાંચ મિનિટ ચહેરો અને વસ્ત્રો વ્યવસ્થિત કરવામાં પસાર થઈ. આ દરમિયાન મનોમન અપેક્ષા હતી કે ઇન્દ્ર જાતે બારણું ખોલીને બહાર આવે. કદાચ કારનો દરવાજો પણ તે ખોલી આપે અને હું ગરિમાપૂર્વક તેના ઘરમાં પગલાં માંડું, પરંતુ મનની મુરાદો પૂરી થવાનું નસીબ સોનેરી અક્ષરે લખાવીને હું નહોતી જન્મી, તેથી જાતે જ ઊતરીને પ્રવેશદ્વાર પાસે પહોંચીને ઘંટડી વગાડી.

દરવાજો ઈન્દ્રે ખોલ્યો અને તે સ્મિત કરતાં બોલ્યો, ‘સ્વાગતમ્.’

‘ડેટિંગ’ પ્રથાને લગતાં મેં ઘણાં પુસ્તકો વાંચ્યાં હતાં. કોઈપણ મહિલાને મળતી વખતે કોઈપણ ગાઢ પરિચિત પુરુષ એ મહિલાના ગાલ કે કપાળ પર ચૂમી આપે, તો એ મહિલાને જરૂર ગમે. આ અભિવાદનમાં સંબંધોનું મહત્ત્વ નથી હોતું. મા, દીકરી, બહેન કે પ્રિયતમા ગમે તે સંબંધ હોય તોપણ ચાલે, પરંતુ ઈન્દ્ર સાથે મારો કોઈ સ્થાપિત સંબંધ નહીં હોવાથી, ખુલ્લા દ્વારમાં થઈને હું તેની પાછળ પાછળ દીવાનખંડમાં પ્રવેશી.

માસી-ઇન્દ્રનાં બા ભારે હેતથી ભેટી પડયાં. પ્રાથમિક ખબરઅંતર પૂછને પછી બોલ્યાં, ‘ચાલ, જમી લે. તું ઇન્દ્ર સાથે બેસી જા, હું હમણાં જ તમારી સાથે જોડાઉં છું.’

ગયા વખતે હું અને માસી ડાઈનિંગ ટેબલ પર પહોંચેલાં, ત્યાંસુધીમાં ઇન્દ્ર અડધા ઉપરાંત ભોજન લઈ ચૂક્યો હતો. એ તો સારું હતું કે એ વયમાં મારાથી એકાદ-બે વર્ષ નાનો હતો, એટલે માફ કરી દીધું, નહીં તો એ મુલાકાત આખરી મુલાકાત પુરવાર થઈ ગઈ હોત.. તેની આવી નિર્દોષતા જ મને ઊંડે સુધી સ્પર્શી ગઈ હતી..!

જ્યારે કોઈ માણસ મનને ગમી જાય, ત્યારે તેની પ્રત્યેક હિલચાલ અનોખી લાગે છે, પણ જો કોઈ વ્યક્તિ અણગમતી હોય, તો એની એવી જ હિલચાલ ઘૃણા જન્માવતી હોય છે. પ્રબોધ મારી નજરમાંથી એક જ ભૂલ બદલ હંમેશાંને માટે ઊતરી ગયો હતો. પછી તેની એ છાપ સુધારવાની મેં તેને એક પણ તક આપી નહોતી. આવું કેમ થયું હશે?

..હું વિચારોમાં ડૂબેલી ઊભી રહી ગઈ, ત્યાં જ ઇન્દ્રનો સ્વર કાને પડયો, ‘હું તમારી વાટ જોતો બેસી રહ્યો છું. હજી તો ડિશ પણ ખાલી ચાખી જ છે. ખાવાનું શરૂ નથી કર્યું.’

મેં કહ્યું નહીં, પણ મનોમન જરૂર અનુભવ્યું કે એ કેટલો લુચ્ચો હતો. મેં પણ જરાયે ઢીલાશ બતાવ્યા વિના કહ્યું, ‘તો થોડો વધુ સમય મુલતવી રાખ. ચાલ આપણે પહેલાં રોટલી બનાવી લઈએ.’

ઈન્દ્ર ઊભો તો થઈ ગયો, પણ પછી બોલ્યો, ‘આપણે રોટલીઓ નહીં પણ પૂરીઓ બનાવીશું.’

તેની ઇચ્છા અનુસાર હું પૂરીઓ વણવા લાગી એટલે તેણે ચાંપલાશ શરૂ કરી. ‘બરાબર વણજો. જો પૂરીઓ ફૂલશે નહીં, તો દોષ તમારો નીકળશે હા..’

‘તારી પાસેથી તો હંમેશાં જશને બદલે જૂતિયાં જ મળે છે ને! એટલે મને કોઈ નવાઈ નથી લાગતી.’

પૂરીઓ બનાવવાનું પૂરું કરીને અમે ભોજનવિધિ આટોપી લીધી. પછી ગંજીપો રમવા લાગ્યાં. શરૂઆતની થોડી બાજીઓ હું હારી ગઈ એટલે ઇન્દ્ર બોલ્યો, ‘તમને રમતાં જ નથી આવડતું, પછી હારો નહીં તો બીજું શું થાય?’

હું કહેવા તો માગતી હતી કે ક્યારેક કોઈની સામે હારવામાં પણ આનંદ આવતો હોય છે, પણ તેને બદલે જુદો જ જવાબ આપ્યો, ‘તમને જીતવા ન દઉં ને સાહેબ, તો તમે ઊઠીને જતા રહો અને રડતાં રડતાં માસીના પાલવથી આંસુ લૂછતા નજરે પડો.’

જોગાનુજોગ પછીની થોડી બાજીઓમાં મને જીત મળવા લાગી. ચાલુ બાજીમાં હાથમાં જ્યારે બે જ પત્તાં હતાં, ત્યારે ભૂલથી હું ફુલ્લીના પત્તા પર કાળીનું પાનું ઊતરી અને ફુલ્લીનું છેલ્લું પાનું હાથમાં રહી ગયું. મારો આ ગોટાળો ઇન્દ્રના ધ્યાન પર આવી ગયો. એટલે તે બોલી ઊઠયો, ‘અંચઈખોર! હવે મને ખબર પડી કે તમારી જીત કઈ રીતે થતી હતી!’

તેના મોંએથી આવો આક્રોશ સાંભળીને મનને ઘણું સારું લાગ્યું. આવો ઠપકો વારંવાર સાંભળવા માટે મેં ફરી પણ આ રીતનાં સાચાં-ખોટાં પાનાં ઊતર્યે રાખ્યાં. જો ઈન્દ્રના ધ્યાન પર ન આવે તો પાનાં ખોલીને તેનું ધ્યાન દોરતી.

‘મને તો કલ્પના પણ નહોતી કે તમે આવાં દગાખોર હશો. ગંજીપામાં પણ આમ દગો ફટકો કરીને જીતીને તમારે શો ચાંદ મેળવવા જવાનું છે?’ પછી સહેજ અટકીને બોલ્યો, ‘મને તો હવે ઊંઘ આવે છે, એટલે હું તો હવે આ ચાલ્યો.. તમે બાના રૂમમાં સૂઈ જજો.’

‘હા, બરાબર છે. માણસ હારવા લાગે, એટલે કંઈક બહાનું તો કાઢવું જોઈએ ને! ગયા વખતે તો પાનાં રમવામાં જ સવાર પાડી દીધી હતી. યાદ છે?’

‘શુચિ! કેટલા વાગ્યાં, એ કંઈ ખ્યાલ છે? સવારે પાછું વહેલા ઊઠીને મારે ઓફિસે જવાનું છે.’ ઇન્દ્ર બોલ્યો.

પોણા ત્રણ વાગી ગયા હતા. હું અને માસી એક જ પલંગ પર આડાં પડીને છેક પરોઢના પાંચ વાગ્યા સુધી વાતો કરતાં રહ્યાં. મેં કહ્યું, ‘માસી! આપણે બંને સાથે જ સૂઈશું, તો બંનેમાંથી કોઈ ઊંઘી નહીં શકે.’

એટલે હું નીચે સોફા પર સૂવા ચાલી ગઈ. હજી હું આડી જ પડી હતી ત્યાં ઈન્દ્ર આવ્યો. છેલ્લા સવા બે કલાક તે ઊંઘ્યો કે અમારી વાતો જ સાંભળતો રહ્યો તેનો કશો અંદાજ નહોતો આવતો.

હું ઊંઘવાનો દેખાવ કરતી રહી, પણ તેણે ખલેલ શરૂ કરી દીધી. એક વખત તો મન થઈ જાઉં.. પણ પછી વિચાર આવ્યો કે મહેમાન બનીને વાતનું વતેસર કરવું શોભાસ્પદ ન ગણાય.

હું વિચારવા લાગી કે શું એવું બનવાનું સંભવ નથી કે મને ઊંઘતી જોઈને ઈન્દ્ર મારી પાસે આવીને બેસી જાય, તે મારા જાગવાની રાહ જુએ.. હું પડખું બદલું અને એ ગેબી રાજકુમાર બનીને મારા હોઠ ફૂલની નજાકતથી ચૂમી લે અને હું સુવર્ણકેશી રાજકુમારી બની જાઉં..?

તેની ખલેલ પહોંચાડતી હિલચાલ ચાલુ જ હતી. આખરે હારીને મેં જ વાતનો આરંભ કર્યો, ‘ઊંઘ નથી આવતી, ઈન્દ્ર? હજી તો રાત બાકી હોય તેમ લાગે છે..’

‘ચા પીવી છે?’ ઈન્દ્રે પૂછ્યું.

‘હા.’

અમે બંને સામસામી ખુરશીઓ પર બેસી ગયાં. મેં ચાના કપને સ્પર્શ કર્યો. કપ ઘણો ગરમ હતો, તેથી હું બોલી, ‘હું ચા થોડી ઠંડી થાય પછી પીવાનું પસંદ કરું છું. એકાદ ટુકડો બરફ આપીશ?’

‘મારા કપની ચા તો જરાય ગરમ નથી. તમારા વ્યક્તિત્વની ગરમી જ એવી છે કે તમે હાથ લગાવો ત્યાં કપ ગરમ થઈ જાય..’ ઈન્દ્રે કહ્યું.

‘જો એવું જ હોય તો ક્યારેય મને સ્પર્શ ન કરતો, નાહકનો દાઝી જઈશ..’ મેં હાસ્ય કરતાં કહ્યું.

એટલામાં માસીના નીચે આવવાનો અવાજ આવ્યો.

‘માસી! આ માણસ તો મને બસ હેરાન જ કર્યા કરતો હોય છે. તમે આટલાં બધાં સ્નેહાળ અને સાલસ છો, છતાં કોણ જાણે ક્યાંથી આ અડબંગને તમે લઈ આવ્યાં છો!’

Leave a Reply

Your email address will not be published.