નૈઋત્યના ચોમાસાનું મહારાષ્ટ્રમાં આગમન થઈ ચૂક્યું છે અને તે આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર એન્ટ્રી કરશે. જો કે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા રાજ્યના અનેક ભાગોમાં પ્રિ મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જ્યારે અન્ય કેટલાક ભાગોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 કલાકમાં રાજ્યમાં 30 થી 40 કિલોમીટરની ગતિને તેજ પવન ફૂંકાશે. તોફાની પવન સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.
રાજ્યના આણંદ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અત્યારે પણ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરના વૈષ્ણોદેવી, ગોતા અને જાસપુરમાં વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. આ સિવાય ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.