મહારાષ્ટ્રના જાલના જિલ્લાના એક ગામમાં 72 વર્ષના વ્યક્તિને અલગ-અલગ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાલનાના રહેવાસી દત્તાત્રેય વાઘમારેને 22 માર્ચના ભારત બાયોટેકની કોવેક્સિન લગાવવામાં આવી હતી. ત્યારબાદ 30 માર્ચના તેને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો અને ગામના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં કોવિશીલ્ડ લગાવવામાં આવી, જેનો ખુલાસો હવે તેમના દીકરાએ કર્યો છે.
દત્તાત્રેય વાઘમારેના દીકરા દિગમ્બરે જણાવ્યું કે, “બીજી વેક્સિન લગાવ્યા બાદ મારા પિતાને સામાન્ય મુશ્કેલી થઈ હતી અને તેમને હળવો તાવ, શરીરના કેટલાક ભાગોમાં ફોલ્લીઓ અને અકળામણની સમસ્યા થઈ હતી. ત્યારબાદ તેમને રાજ્ય સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને કેટલીક દવા આપવામાં આવી.” તેમણે આગળ જણાવ્યું કે, “મને કેટલાક દિવસ પહેલા જ અલગ-અલગ રસી વિશે જાણ થઈ જ્યારે મેં તેમના રસીકરણ પ્રમાણપત્ર જોયા. મારા પિતા અભણ છે અને હું પણ વધારે ભણેલો નથી. સ્વાસ્થ્ય કર્મચારીઓએ ધ્યાન આપવું જોઇતુ હતુ કે મારા પિતાને એ જ રસીનો ડોઝ મળે.”
કોરોના વેક્સિનની તંગીની વચ્ચે ડોસેઝને મિક્સ કરવા વિશે વિચારવામાં આવ્યું, પરંતુ રિસર્ચ પ્રમાણે કોવિડ-19 વેક્સિનના 2 અલગ-અલગ ડોઝ જો દર્દીને લગાવવામાં આવે તો તેની સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. ન્યૂઝ એજન્સી બ્લૂમર્ગના મેડિકલ જર્નલમાં એક અધ્યયન પ્રમાણે જણાવવામાં આવ્યું કે, બે વેક્સિનને મિક્સ કરીને લગાવવાથી થાક અને માથું દુ:ખવા જેવી સમસ્યા જોવા મળે છે. જો કે ઘણા ઓછા સમય માટે આ લક્ષણો જોવા મળે છે અને મોટાભાગના લક્ષણો હળવા જ હોય છે.
ઑક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સે પણ સ્ટડીમાં જોયું કે, બે અલગ-અલગ રસી લગાવવાથી થોડાક સમય માટે સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. ધ લાંસેટ મેડિકલ જર્નલના એક રિપોર્ટ અનુસાર, લોકોને પહેલા એસ્ટ્રાઝેનેકાની વેક્સિન લગાવવામાં આવી હતી અને બીજીવાર ફાઇઝરની રસી લગાવવામાં આવી હતી. બીજો ડોઝ લીધા બાદ લોકોમાં સાઇડ ઇફેક્ટ જોવા મળ્યા, પરંતુ આમાંથી મોટાભાગના હળવા હતા.